'કાલીચરન'માં સલીમ જાવેદનો વાટકી વહેવાર ?

આવું હેડિંગ વાંચીને ચોંકી ના જતા… કેમકે સુભાષ ઘાઈની પહેલી ફિલ્મ ‘કાલીચરણ’ સાથે વિખ્યાત લેખકો સલીમ-જાવેદની ઘણી ‘લેણા-દેણી’ છે !

પરંતુ સૌથી પહેલાં તો પાડ માનો પૂના ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટનો જ્યાં સુભાષ ઘાઈ એક્ટિંગ શીખવા આવ્યા હતા અને શીખેલું ખાસ કંઈ કામમાં આવ્યું નહીં !

બીજો માટે પાડ માનો આત્મારામ નામના પ્રોડ્યુસર-ડિરેક્ટરનો જે પેલા જિનિયસ એક્ટર-ડિરેક્ટર ગુરુદત્તના સગા નાનાભાઈ હોવા છતાં મોટાભાઈની ટેલેન્ટનો જેને જરાય ચેપ નહોતો લાગ્યો ! એટલે જ એમણે ૧૯૭૦માં ‘ઉમંગ’ નામની એક ફિલ્મ બનાવી, જેમાં આપણા સુભાષભાઈ સાથે પેન્ટલ, બલદેવ ખોસા, અર્ચના, અસરાની અને સુરેશ ચટવાલ જેવા નવા-સવા એક્ટરો લીધા હતા. એમાંય વળી સુભાષ ઘાઈનો રોલ તો સૌથી લાંબો હતો. છતાં ફિલ્મની લાઈફ સાવ ટુંકી નીકળી !

હાસ્તો વળી ? જો ‘ઉમંગ’ થોડી ઘણી પણ ચાલી ગઈ હોત તો સુભાષ ઘાઈને ડિરેક્શનની ડિરેક્શન પકડવાનો વિચાર જ ના આવ્યો હતો ને ?

ત્રીજો પાડ શત્રુઘ્ન સિંહાનો માનવાનો, કેમકે પોતે મોટા સ્ટાર બની ગયા હોવા છતાં એફટીઆઈઆઈના સહપાઠી હોવાના એકમાત્ર નાતે એમણે સુભાષ ઘાઈની પહેલી ફિલ્મમાં હીરો બનવા માટે રૂપિયા-પૈસાનું નક્કી થાય એ પહેલાં જ હા પાડી દીધી હતી.

ચોથો પાડ તો પ્રોડ્યુસર એનએન સિપ્પીનો માનવો જ જોઈએ જેમણે સુભાષ ઘાઈના મોઢે સાંભળેલી એક વાર્તા સાંભળીને આખી ફિલ્મનું ડિરેક્શન સોંપી દેવાનો જુગાર ખેલ્યો.

પરંતુ ‘કાલીચરન’માં એ જમાનામાં છવાઈ ગયેલા પ્રેમનાથની એન્ટ્રી શી રીતે થઈ ? અને એ પછી પ્રેમનાથ સુભાષ ઘાઈ સાથે કેમ રીસાયા હતા ?

વાત એમ હતી કે ‘કાલીચરન’માં મુંબઈના પોલીસ કમિશનરના રોલ માટે એન એન સિપ્પીએ કહ્યું હતું કે ઇફ્તેખાર જેવા કોઈ સિનિયરને લઈ લો. પણ સુભાષ ઘાઈની ઇચ્છા હતી કે આ રોલ તો પ્રેમનાથ જ કરશે.

પ્રોબ્લેમ એ હતો કે ‘બોબી’ની પ્રચંડ સફળતા પછી પ્રેમનાથનો ઘમંડ સાતમા આસમાને હતો ! એ કોઈ આલતુ ફાલતુ સાઈડ રોલ માટે હા પાડવાના મૂડમાં જ નહોતા. તો સુભાષ ઘાઈએ શું તિકડમ લડાવી ?

એક દિવસ એ મોંઘી શરાબની બોતલ લઈને પ્રેમનાથના ઘરે પહોંચ્યા. આમ પણ પ્રેમનાથ સાથે સંબંધો સારા જ હતા. પ્રેમનાથ સુભાષ ઘાઈને ‘બચ્ચા, મેરા બચ્ચા….’ કહીને બોલાવતા હતા.

એ રાત્રે શરાબ પીતાં પીતાં આડી અવળી મજેદાર વાતો કરતાં કરતાં છેક પરોઢિયે ત્રણ સાડા ત્રણ વાગે સુભાષભાઈએ જોયું કે પ્રેમનાથજી હવે નશામાં પુરેપુરા ‘તરબતર’ છે, ત્યારે વાત કાઢી કે, ‘સર, મુજે એક ફિલ્મ મિલી હૈ…’

ત્યાં સુધી તો ઠીક હતું પણ સુભાષ ઘાઈએ તે વખતે ફિલ્મની આખી વાર્તા એ રીતે કહી સંભળાવી કે જાણે પ્રેમનાથ જ ‘મેઈન’ છે ! શત્રુઘ્ન સિંહા તો  આમ, ‘સાઇડ’માં છે ! પ્રેમનાથ તો આ સાંભળીને રાજીરાજી થઈ ગયા ! એમણે તરત જ હા પાડી દીધી !

મજા તો એ હતી કે આખી ફિલ્મનું શુટિંગ પત્યું ત્યાં લગી પ્રેમનાથ એ જ ભ્રમમાં હતા કે હું જ ફિલ્મમાં સર્વસર્વા છું ! એ તો જ્યારે ફિલ્મ રીલીઝ થઈ ત્યારે ખબર પડી કે તાળીઓ તો શત્રુઘ્ન સિંહા લઈ જતો હતો !

બસ, એ પછી સુભાષ ઘાઈ અને પ્રેમનાથને થોડા સમય માટે ‘કીટ્ટા’ થઈ ગયેલા ! (આ જ ગેઈમ ‘ડર’ ફિલ્મમાં સની દેઉલ સાથે થઈ ગયેલી, ખબર છે ને ?) જોકે ત્યારબાદ પ્રેમનાથે સુભાષ ઘાઈ સાથે ‘વિશ્વનાથ’ અને ‘ક્રોધી’માં કામ કરેલું.

હવે રહી વાત સલીમ-જાવેદ સાથેની લેણાદેણીની… તો સાંભળજો… સૌથી પહેલું કનેક્શન તો એ, કે ફિલ્મ ‘ઝંજીર’માં સલીમ-જાવેદે જે ઠંડા દિમાગવાળા સફેદપોશ વિલનનું પાત્ર બતાવતું હતું એ જ સીધેસીધું સુભાષ ઘાઈએ ‘કાલીચરન’માં ઉઠાવી લીધું !

પરંતુ એની સામે સલીમ-જાવેદે પણ ‘કાલીચરન’ની સ્ટોરીનો આખેઆખો મૂળ પ્લોટ ‘ડોન’માં ઉઠાવી લીધો ! શી રીતે ? 

તો ‘કાલીચરન’માં એવું છે કે પ્રભાકર નામનો એક બહાદુર પોલીસ ઓફિસર એક એક્સિડન્ટમાં  માર્યો જાય છે. પણ એના મોતની ખબર જાહેર કરવાને બદલે બિલકુલ એના જ જેવો ચહેરો ધરાવતા કાલીચરન નામના એક ખૂંખાર કેદીને ઇન્સ્પેક્ટરની જગ્યાએ ગોઠવી દેવામાં આવે છે.

આ બાજુ ‘ડોન’માં શું હતું ? ઓરીજિનલ ડોન મરી જાય છે એ ખબર દબાવી દઈને એની જગ્યાએ એક સડકછાપ ગવૈયાને ડોન તરીકે ઘૂસાડી દેવામાં આવે છે, રાઈટ ?

ટુંકમાં, જે રીતે સલીમ-જાવેદે ‘રામ ઔર શ્યામ’ના બે દિલીપકુમારની જગ્યાએ ‘સીતા ઔર ગીતા’માં બે હેમા માલિની ફીટ કરી દીધી હતી, એ જ ફોર્મ્યુલા, રાઈટ ?

એમ તો સુભાષ ઘાઈએ પણ ‘ઝંજીર’નો રિટર્ન-ગિફ્ટ જેવો વાટકી વહેવાર કર્યો જ છે ! ‘ઝંજીર’માં અમિતાભ અને પ્રાણની જબરદસ્ત ફાઈટ પછી પ્રાણ અમિતાભનો જિગરી દોસ્ત બની જાય છે, એ જ વાત ઉઠાવીને ‘કાલીચરન’માં ફીટ કરી દીધી ! જેમાં ડેની સાથે જોરદાર ફાઈટ પછી તે શત્રુઘ્નનો દોસ્ત બની જાય છે ! બોલો.

હા, એક આઈડિયા ઉઠાવવામાં સુભાષ ઘાઈ એક ડગલું આગળ રહ્યા હતા. ફિલ્મમાં મરતાં પહેલાં ઇન્સ્પેક્ટર એક કાગળ પર અંગ્રેજીમાં LION અક્ષરો લખી જાય છે, જેને સૌ ઊંધો કાગળ પકડીને NO17 (નંબર સેવન્ટીન) સમજતા રહે છે… જોકે એ સસ્પેન્સ પાછળથી ખુલે છે, જ્યારે ‘લાયન’ લખેલું બોર્ડ ચકડોળની માફક ગોળગોળ ફરે છે ત્યારે શત્રુઘ્નને ‘લાઈટ’ થાય છે…

કહેવાય છે કે આ આઇડિયા એ જમાનામાં ‘કર્નલ રંજીત’ના નામે પ્રકાશિત થતી ડિટેક્ટીવ  નોવેલોમાંથી આ નોવેલમાં હતો !

અને હા, છેક હમણાં કોઈએ દાવો કર્યો છે કે ‘કર્નલ રંજીત’ નામનો કોઈ લેખક હતો જ નહીં ! હકીકતમાં તો એ નામથી અલગ અલગ ઘોસ્ટ-રાઈટરો પાસે લખાવવામાં આવતુ હતું ! બોલો.

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ‘કાલીચરન’ના એડિટર તરીકે ડેવિડ ધવન હતા, જે પૂના ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટના જ વિદ્યાર્થી હતા અને પાછળથી સફળ ડિરેક્ટર બન્યા.

* આ પહેલાં શત્રુઘ્ન સિંહા વિલનના રોલ કરતા હતા. ‘કાલીચરન’ એમની હિરો તરીકેની કરિયરની પહેલી હિટ ફિલ્મ હતી.

* સુભાષ  ઘાઈએ આ સ્ટોરી આ પહેલાં યશ ચોપરા, દુલાલ ગુહા અને પ્રકાશ મહેરાને સંભળાવી હતી પણ એમને પસંદ પડી નહોતી !

* ‘કાલીચરન’નો તેલુગુ રિમેક ‘કૈદી કાલિદાસુ’ નામે, કન્નડ રિમેક ‘કલિંગા’ નામે, તામિલ રિમેક ‘સાંગલી’ નામે અને મલયાલમ રિમેક ‘પથમુદયમ’ નામે થયો છે. સાઉથની ચારેચાર ભાષામાં રીમેક થયો હોય એવી ‘કાલીચરન’ પહેલી હિન્દી ફિલ્મ હતી.

* કહે છે કે ‘કાલીચરન’ની સ્ટોરી પહેલીવાર સાંભળતાં સાંભળતાં શત્રુઘ્ન સિંહા ઘસઘસાટ ઊંઘમાં સરી પડ્યા હતા !

* પ્રોડ્યુસર એન એન સિપ્પીની ઇચ્છા હતી કે રાજેશ ખન્ના કાલીચરણ બને ! જરા વિચારો, ‘ખૂંખાર કાલીચરન’ તરીકે રાજેશ ખન્ના કેટલો ‘ક્યુટ’ લાગતો હોત ?

***

- મન્નુ શેખચલ્લી 

Comments