અખાના નવા છપ્પા !

સત્તરમી સદીમાં થઈ ગયેલા ગુજરાતના પ્રખર કવિ ‘અખા’ ભગતનો આત્મા હજી ફરતો લાગે છે ! કેમકે હવે અમારા અવળચંડા દિમાગમાં કંઈક સળવળ સળવળ થાય છે ! સાંભળો…

*** 

વા વાયો ને એન્ટેના ખસ્યું
એ જોઈને મિડીયા ભસ્યું
એન્કર કહે મેં દીઠો બોમ્બ
આવું છે ફેક ન્યુઝનું જોર !

*** 

જોજો રે ભાઈ ટ્રમ્પનું મૂળ
પેટ ચોળી ઉપજાવ્યું શૂળ
એક ટ્રમ્પ ઈરાને ગયો
ઓઈલ દેખીને ભૂરાયો થયો
દીધી તેણે ઇઝરાયેલને ખો
દુનિયા આખીમાં હરાયો થયો

*** 

ધનાભિમાન હતું પાશેર
શસ્ત્રો વધતાં વાધ્યું શેર
પ્રમુખ બનીને તોલું થયો
વેનેઝુએલાથી મણમાં ગયો
ઈરાનમાં એમ ભેલાણ કર્યું
નોબેલ પ્રાઈઝનું નામ બોળ્યું 

*** 

ગુરુ-ઘંટ બની જગમાં ફરે
સકળ લોકની નિંદા કરે
લડ કાં તો લડનારો દે
જમાદાર હડકાયો ફરે
ટળે કેમ કરી એની વ્યથા
જે નિત્ય વાંચે મડદાંની કથા

*** 

આંધળો મિસાઈલ ને બહેરું ડ્રોન
લડાઈ લડવા ચાલ્યુ સહુ
કારણ કશું ને મારણ કશું
એઆઈનું કાજળ વિમાને ઘસ્યું
ઊંડા બંકરમાં ફાટ્યો બોંબ
શીખ્યું સમજ્યું સઘળું ફોક

*** 

(રાજકીય પંડિતો વિશે)

સાંભળજો મોટાના બોલ
ઉજ્જડ ખેડે વાગ્યા ઢોલ
આંધળે અંધ અંધારે મળ્યાં
ત્યાં જ્ઞાનીને અજ્ઞાન જડ્યાં
આમ થશે ને તેમ થશે
હાથી પૂંઠે કૂતરાં ભસ્યાં

*** 

(કોમનમેન માટે)

તું તારું સમજીને બેસ
ડીલે કાં કોળે કાળી મેંશ
સમજો તો અવળું છે જ્ઞાન
ના સમજે તેને સુખી જાણ
નિસ્પૃહી તે નિરાળો રહે
લાલચિયો તે બધે જલે !

***

- મન્નુ શેખચલ્લી

Comments