ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચે યુધ્ધ ફાટી નીકળ્યા પછી જાતજાતની ડરામણી આગાહીઓ આવી રહી છે.
કોઈ કહે છે કે ૨૬ માર્ચે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થઈ જશે ! કોઈ કહે છે કે તમામ મુસ્લિમ દેશો એકબીજા સામે લડી લડીને ખુવાર થઈ જશે ! તો કોઈ કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ જશે !
પરંતુ અમને થાય છે કે આવા ટાઈમમાં આપણે રાજી રાજી થઈ જઈએ એવી આગાહીઓ થાય તો કેવી મજા પડે ! જેમ કે…
***
ટ્રમ્પ ઉપર પાગલપણાનો જબરદસ્ત હૂમલો થશે ! અને એમને તાત્કાલિક મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે !
***
ઇરાનના સુપ્રિમો ખામનેઈનું ભૂત ક્યાંકથી પ્રગટ થશે ! અને એની સાથે સૌથી પહેલી ખબર ભારતની ન્યુઝ ચેનલો પાસે જ આવશે ! પછી તો ૨૪x૭…
***
પોતાની જાતને આઈન્સ્ટાઈન કરતાં પણ મોટા જિનિયસ ગણાવનાર નિત્યાનંદ એવો દાવો કરશે તે પોતાની દિવ્ય શક્તિ વડે ઇરાનનાં તમામ મિસાઈલો અને ડ્રોનને હવામાં જ ‘ફ્રીઝ’ કરી શકે છે !
ગલ્ફના દેશો એને આ તાંત્રિક વિદ્યા કરવા માટે બોલાવશે પણ ખરા ! પરંતુ એમનું વિમાન ઉડાન ભરતાંની સાથે જ હવામાં આખેઆખું ‘અદૃશ્ય’ થઈ જશે !
આમાંને આમાં યુદ્ધના સમાચારો બાજુમાં રહી જશે અને આ ‘ચમત્કાર’ની ચર્ચા છ દિવસ સુધી ચાલતી રહેશે !
***
એમ તો બાબા રામદેવ, જે હિમાલયમાં જડીબુટ્ટી શોધવા ગયા હશે, તે અચાનક ત્યાંના પહાડોમાંથી ૨૦૦૦ ટન સોનાનો જથ્થો શોધી કાઢશે ! બસ, પછી તો ડોલર જાય તેલ લેવા…
***
દક્ષિણ ભારતના એક યોગાશ્રમમાં ભણતો બાર વરસનો ભગવાધારી ‘જિનિયસ ટેક્નોક્રેટ’ વિદ્યાર્થી આખી પોલ ઉઘાડી પાડતાં કહેશે કે ‘બોસ, યુદ્ધ ક્યાંય છે જ નહીં ! આ તો આખી એઆઈની કમાલ છે !’
આ ન્યુઝથી સેન્સેક્સમાં સીધો ૬૦૦૦ પોઈન્ટનો ઉછાળો આવશે !
***
આ બધાં તમને ગપ્પાં લાગે છે ? તો સાચી લાગે એવી એક આગાહી પણ સાંભળી લો…. ‘મોદીજી ટ્રમ્પ અને નેતન્યાહુને એક જ ફોન કરીને વૉર અટકાવી દેશે !’
પૂછી જોજો કોઈ ભક્તને…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment