જ્યાં કોઈને જરીક છીંક આવે એમાં તો ગગડી પડતું હોય એવા શેરબજારમાં હવે તો કડાકા અને ભડાકા થવાના !
આવા યુદ્ધના માહોલમાં શેરબજારના ખેલાડીઓ શું સાવ આળસુની જેમ બેઠા હોય છે ? ના ! એ લોકો તો જબરી જબરી કસરતો કરતા હોય છે ! જુઓ…
***
આંખની કસરત :
શેર મારકેટના ભાવો બતાડ્યા કરતી ટીવી ચેનલોના પરદે જે નીચેના ભાગમાં જુદા જુદા શેરોના ભાવની પટ્ટી સરક્યા કરતી હોય છે એની સાથે સાથે આંખના ડોળા ફેરવવાથી એમને આંખની કેવી જોરદાર કસરત થાય છે !
***
આંગળીઓની કસરત :
મોટાભાગના ગુજરાતીઓ પોતાની આંગળીના ટચાકા ફોડવાને પણ એક કસરત માને છે ! તો એ હિસાબે, શેરબજારના ખેલાડીઓ આખો દહાડો કેલક્યુલેટર ઉપર ગણત્રીઓ કરી કરીને આંગળીઓને કેટલી બધી કસરત કરાવે છે !
***
કાનની કસરત :
ભલે બે આંખો ટીવીના સ્ક્રીન પર હોય, ભલે બીજી બે આંખો પોતાના લેપટોપ પર હોય અને વધારાની બે આંખો ન્યુઝ ચેનલોની ખબરો ઉપર હોય… (હા ભાઈ હા, ચોરની ચાર આંખ ભલે હોય, શેરબજારીયાઓની છ આંખ હોય છે)… અને છતાંય નાની અમથી અફવા, ગોસિપ કે ‘ટિપ’ સાંભળતાંની સાથે એમના કાન કેવા સસલાના કાનની માફક ઊંચા થઈ જશે ? તમે જોજો!
***
શ્વાસની કસરત :
ભલભલા યોગાના ક્લાસિસ કે પ્રાણાયમની કસરતોને ટક્કર મારે એવી શ્વાસની કસરતો આ લોકો કરતા હોય છે ! જેમ કે, શેરબજારમાં ૮૦૦ પોઈન્ટનું ગાબડું પડતાંની સાથે જ શ્વાસ અધ્ધર !! અને સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટ ઊંચો ચડે કે તરત ‘હાઆઆશ…’ કરીને શ્વાસ હેઠો બેસે છે !
***
હાર્ટની કસરત :
ભલભલી વર્લ્ડ-કપની ફાઈનલ મેચની છેલ્લી ઓવરમાં ક્રિકેટના લાખો ચાહકોની છાતીના ધબકારા જેટલા ઉપર-નીચે થાય છે… એવું તો આ શેરબજારીયાઓ વરસમાં દોઢસો વાર ખમી શકે છે ! પૂછી જોજો, કોઈ હાર્ટના ડોક્ટરને…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment