દેર હૈ... અંધેર નહીં !

એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ એવું એક પ્રકરણ ધ્યાનમાં આવતાં સુપ્રીમકોર્ટે ‘લાલઘુમ આંખ’ કરીને આખું પાઠ્ય પુસ્તક પાછું ખેંચવાનો આદેશ આપ્યો છે !

હવે કોર્ટની બહાર જે બિચારાં મામુલી વકીલો ખુલ્લામાં ટેબલો લઈને બેસતા હોય છે એમાં ચર્ચા ચાલી છે ! સાંભળો…

*** 

‘જોયું ? આપણી સુપ્રીમ કોર્ટનો ઝપાટો જોયો ને ? આખેઆખું પાઠ્ય પુસ્તક પાછું ખેંચવાનો આદેશ ફટકારી દીધો !’

‘અને ઉપરથી હુકમ કર્યો છે કે આવું ચેપ્ટર ઘૂસાડવા પાછળ કોનો હાથ છે ?’

‘બોસ, શું લાગે છે, કોનો હાથ હશે?’

‘અરે, એ છોડો ને ! સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટને છેક ફેબ્રુઆરી મહિનામાં શી રીતે ખબર પડી કે આઠમા ધોરણની  ચોપડીમાં આવું ચેપ્ટર છે ?’

‘કોઈ જજ સાહેબના બાબાએ એના પપ્પાને એ પ્રકરણમાંથી ના આવડતો હોય એવો સવાલ પૂછ્યો હશે !’

‘યસ્સ ! આ જ સમસ્યા છે દેશની.. સુપ્રીમ કોર્ટના જજ સાહેબને કોઈ સવાલ પૂછી જ શી રીતે શકે?’

‘એમ નહીં… પણ હવે તો આખા દેશનાં આઠમાં ધોરણનાં છોકરાંઓને ખબર પડી ગઈને, કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર ચાલે છે?’

‘સુપ્રીમ કોર્ટનું એ જ કહેવું છે કે આટલી નાની ઉંમરે આ બધી વાતો ભણાવવાની ના હોય.’

‘અચ્છા ! તો ક્યારે ભણાવવાની ? બારમા ધોરણમાં ? સુપ્રીમ કોર્ટે કોઈ ગાઈડ લાઈન ના આપી ?'

‘ઉલ્ટું, સુપ્રીમ કોર્ટે આદેશ આપવો જોઈએ કે છેક પાંચમા ધોરણથી બાળકોને ભણાવો કે સમગ્ર દેશનાં સમગ્ર તંત્રોમાં ભ્રષ્ટાચાર છે જ !’

‘હા, એમ કરવાથી નવી પેઢી માનસિક રીતે મજબૂત બનશે !’

‘અરે બોસ, એવું હરગિઝ ના કરાય ! કેમ કે પછી તો દેશની જેન-ઝિ બધું જ સળગાવી દે !’

‘પણ મારો એક બીજો સિમ્પલ સવાલ છે… આ પાઠ્ય પુસ્તકો પાછાં શી રીતે ખેંચવાના ?’

‘કેમ ?’

‘એટલે શું, દરેક સ્ટુડન્ટને પુસ્તકના પૈસા પાછા આપીને તમામ ચોપડી પાછી લેવાની ? … એ કામ દરેક સ્કૂલને સોંપવાનું ? અને માર્ચમાં તો એક્ઝામો આવશે… તો પછી નવી ચોપડીઓ ક્યારે મળશે ?... કે પછી માત્ર એ પ્રકરણનાં પાનાં ફાડીને ચોપડીઓ પાછી આપવાની ?’

‘તમે યાર, વકીલ હોવા છતાં એક વાત કેમ નથી સમજતાં ? જજ સાહેબોનું કામ હુકમો કરવાનુ છે ! એનો અમલ શી રીતે કરવો એ બધું તો… સમજી ગયા ને ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments