સવાલ માત્ર નજરનો છે ! જરાક જ ધ્યાનથી જુઓ તો નોર્મલ લાગતી ઘટનાઓ તમને ‘ફની’ જ લાગશે ! જુઓ…
***
તમે ખાસ જોજો…
કે જ્યારે ટ્રાફિક પોલીસવાળો કોઈ ફેન્સી ટાઈપના બાઈકવાળા જુવાનિયાને રોકે છે ત્યારે પેલો ખિસ્સામાંથી લાઈસન્સ કાઢવાને બદલે મોબાઈલ કાઢતો હશે !
***
તમે ખાસ જોજો…
મોંઘો આઈ-ફોન લઈને ફરનારો માણસ બેસણામાં પણ વારેઘડીએ આઈ-ફોન કાઢીને કાને લગાડીને ધીમા અવાજે જાણે ‘બિઝનેસ’ની વાતો કરતો હોય એવો દેખાવ કરશે !
***
તમે ખાસ જોજો…
માવો ખાનારો જ્યારે લકઝરી બસમાં બેઠો હોય ત્યારે પિચકારી નફ્ફટની જેમ ડાયરેક્ટ બારીમાંથી બહાર મારશે… પણ એ જ માણસ જ્યારે પોતાની કાર ચલાવતો હોય ત્યારે દરવાજો ખોલીને નીચેની બાજુ પિચકારી મારશે !
***
તમે ખાસ જોજો…
જે લોકો વારંવાર એમ કહતા હોય કે ‘અડધી રાત્રે પણ મારું કામ હોય તો મને યાદ કરજો…’ એવા લોકોને તમે અડધી રાત્રે ફોન કરો તો કદી ઉપાડતા જ નથી !
***
તમે ખાસ જોજો…
જ્યારે પારકી પંચાત ચાલતી હોય ત્યારે અમુક લોકો ‘હેં ? એવું હતું ? પછી શું થયું ? ઓહો, એવું ?’ એમ કરી કરીને પોણો કલાક લગી ખણખોદ કર્યા પછી છેલ્લે ઊભા થતાં કહેશે… ‘હશે ત્યારે ! એમાં આપણે શું, હેં ?’
***
તમે ખાસ જોજો…
કંકોતરી આપતી વખતે જે લોકો કહેતા હોય છે કે ‘તમારે બધ્ધાએ આવવાનું છે, હોં !’ એ લોકો જાય પછી તમે કંકોતરી ખોલીને જુઓ તો એમાં લખ્યું હોય છે : ‘બે વ્યક્તિ’ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment