પાકિસ્તાની ક્રિકેટરોની નવી જોક !

ભારત સામે શરમજનક રીતે હાર્યા પછી પાકિસ્તાનની ટીમ ભારે ડિપ્રેશનમાં હતી. એટલે ટીમનો મેનેજરે એમનો મૂડ ફ્રેશ કરવા માટે એક મોંઘી હોટલમાં ચાલતી પાર્ટીમાં લઈ ગયો.

પાકિસ્તાની ક્રિકેટરો એક ખૂણામાં બેસીને ચૂપચાપ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા ત્યાં એક જાડીયો ત્યાં આવ્યો.

‘હેએએ…ય ! તમે લોકો એ જ પાકિસ્તાની ક્રિકેટરો છો ને ? જે ભારત સામે નાક કપાવીને આવ્યા છો ? ’

ક્રિકેટરો ચૂપ રહ્યા.

પેલો જાડીયો પાકિસ્તાનના સિનિયર પ્લેયર બાબર આઝમ પાસે આવ્યો :

‘હેએએ...ય ! તું એ જ બાબર આઝમ છે ને, જે ભારત સામે ફક્ત પાંચ રનમાં આઉટ થઈ ગયો હતો ?’

બાબર આઝમ કંઈ ના બોલ્યો.

જાડીયો હસવા લાગ્યો. ‘અરે યાર, આમ દિવેલ પીધેલાં ડાચાં લઈને કેમ બેઠા છો ? ચાલો, તમારો મૂડ ફ્રેશ થઈ જાય એવી વાત કરું…’

જાડીયો નજીક આવીને કહેવા લાગ્યો. ‘જો બાબર, તું દરેક મેચમાં આ રીતે પાંચ-દસ રન કરીને આઉટ થઈ જાય તો હું તને મેચ દીઠ ૫૦૦ રૂપિયા આપીશ !’

બાબર આ રકમ સાંભળીને સમસમી ગયો. જાડીયો બોલ્યો : ‘અચ્છા, ફક્ત તને જ નહીં, આખી ટીમના દરેક પ્લેયરને ૫૦૦-૫૦૦ આપીશ ! બોલ, શું કહે છે ?’

હવે પાકિસ્તાની પ્લેયરો પણ ધૂંધવાવા લાગ્યા. જાડીયો એ જોઈને બોલ્યો :

‘અચ્છા ચલો, ૫૦૦ નહીં, દરેકને હજાર હજાર આપીશ !’

આ ઓફરની પણ કોઈ અસર ના થઈ એટલે જાડીયાએ રકમ વધારી ‘ચાલો, પાંચ-પાંચ હજાર ! બસ ?’

છતાં સન્નાટો હતો. જાડીયો બોલ્યો ‘અરે દસ-દસ હજાર આપીશ ! હવે તો કંઈ બોલો ?’

ત્યાં તો બાબર આઝમે જાડીયાને એક લાફો મારી દીધો ! જાડીયો બબડતો બબડતો જતો રહ્યો…

એ ગયો કે તરત પાકિસ્તાની પ્લેયરો બાબર આઝમ પર તૂટી પડ્યા : ‘યાર, એને લાફો કેમ માર્યો ? એ ધીમે ધીમે ભાવ તો વધારી રહ્યો હતો !’

***

- મન્નુ શેખચલ્લી

Comments