બજેટ અને... બીડી ?!

અમને સમજાતું નથી કે આ વખતના બજેટ માટે ઉત્તેજના શા માટે હતી ?

કેમકે દિવાળી પહેલાં તો ૯૦ ટકા ચીજ વસ્તુઓની જીએસટીમાં ફેરફાર થઈ ગયા હતા…

બાકી હતું તે આયાત-નિકાસના દરો પણ યુરોપિયન યુનિયન અને ઇંગ્લેન્ડ સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થયું ! એમાં પણ કેટલી ચીજોના ભાવ ઘટી જવાના ?

અચ્છા, ઇન્કમટેક્સના સ્લેબમાં તો ગયા વરસે જ અઢી લાખથી બાર લાખનો ‘હનુમાન કૂદકો’ આવી ગયો હતો, એટલે આ વખતે કંઈ નવાજુની નહોતી થવાની !

બસ, નિર્મલાજીએ બજેટમાં એક જ એવી મસ્ત મજાની સળી કરી છે કે સિગારેટના ભાવ વધી જશે અને બીડીના ભાવ ઘટી જશે !

આ હિસાબે હવે આપણે તાત્કાલિક ‘બીડીના ફાયદા’ ગણાવવા માંડવા જોઈએ…

*** 

બીડીનો સૌથી મોટો ફાયદો એ છે કે સિગારેટની સરખામણીમાં એમાં માત્ર દસમાં ભાગ જેટલું તમાકું હોય છે !

આ હિસાબે બડીથી દસ ગણું ઓછું નુકસાન થાય છે. બોલો.

*** 

બીજું, બીડીનું બંડલ એવું હોય છે કે અડધો અડધ બીડીઓ તૂટેલી જ નીકળે છે ! એટલે એ પણ નુકસાનમાં ઘટાડો કરે છે !

*** 

અરે, બીડી વડે પર્સનાલિટી ડેવલપમેન્ટનું પણ કામ કરે છે ! કઈ રીતે ?

તો એવું છે કે જે માણસ બંડલમાંથી હંમેશા તૂટેલી બીડી પીવા માટે પસંદ કરે છે તે ‘નેગેટિવીટી’ દર્શાવે છે કે જ્યારે ‘પોઝિટિવ’ માણસ હંમેશા સારી બીડી જ પસંદ કરશે ! જોજો…

*** 

જે રીતે વિદેશની એક વેબસાઈટ આપણી દેશી લુંગીને ‘મલ્ટી પરપઝ ગારમેન્ટ’ તરીકે હજારો રૂપિયામાં વેચે છે… અને આપણા દેશી ‘છાણા’ પણ ડોલરના ભાવમાં વેચાય છે… એ જ રીતે બીડી પણ યુરોપમાં એક્સ્પોર્ટ કરવા જેવી  છે !

- આત્મનિર્ભર બનેગા ભારત ! બીડી બઢાએગા ભારત !

***

- મન્નુ શેખચલ્લી

Comments