‘જોયું ને બોસ ? મોદી હૈ તો મુમકીન હૈ !’
‘અચ્છા ? શું થયું ? ગગડતો રૂપિયો ઊંચકાઈ ગયો ?’
‘અરે ના ભઈ, આ તો ટ્રમ્પે મૂછ નીચી કરવી પડી !’
‘ટ્રમ્પે મૂછો ક્યારે ઉગાડેલી ? યાર, ફેક ન્યુઝ ના ફેલાવો…’
‘એ તો મુહાવરો છે, યાર ! તમે ન્યુઝ સાંભળ્યા કે નહીં ? ટ્રમ્પે કહ્યું છે કે ભારત સામેની ટેરિફ સીધી ૫૦ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જશે !’
‘એક મિનિટ, આપણા ગ્રુપમાંથી કોઈનું ઇમ્પોર્ટ-એક્સ્પોર્ટનું કામકાજ છે ખરું ? યાર, આમાં તો બિઝનેસમેનોનો જ ફાયદો છે ને !’
‘એમ નહીં, હવે અમેરિકન ચીજો પણ ભારતમાં સસ્તી થવાની.’
‘અચ્છા ? તો બીએમડબલ્યુ કાર કરતાં કેડીલેક સસ્તામાં મળશે?’
‘અરે, હાર્લી ડેવિડસન બાઈક તો હવે પહેલાં કરતાં ૩૦ ટકા ભાવે મળવાની !’
‘અરેરે… આવી ખબર હોત તો મેં બુલેટ નોંધાવી જ ના હોત ને?’
‘વડીલ, ગપ્પાં ના મારો ! ચાર દિવસ પહેલાં તો તમે બીએમડબલ્યુ લેવાની વાતો કરતા હતા. હકીકતમાં તમે ફક્ત સ્કુટર લીધું છે, એ બી લોનથી !’
‘પણ બોલો, ટ્રમ્પે આખરે ઝુકવું જ પડ્યું ને ? ડાયરેક્ટ ટ્વીટ કરીને ડીલની જાહેરાત કરી દીધી !’
‘એટલે ? આ આવડા મોટા મોટા કરાર આમ ટ્વીટર ઉપર થતા હોય છે ?’
‘હાસ્તો ? ટ્રમ્પે ટ્વીટર વડે જ ભારત પાકિસ્તાનની વોર અટકાવી દીધેલી ને ?’
‘એવું છે ? તો આ ટ્વીટર ક્યાં મળે ? કેટલાનું હોય ? મોટા મોટા પૈસાદારો જ ખરીદી શકે ?’
‘યાઆઆર… આ વડીલને કોઈ સમજાવો !’
‘પણ બોસ, ટ્રમ્પનો શું ભરોસો ? એ તો લોટા જેવો છે, કાલે ઊઠીને ફરી ગયો તો ?’
‘- તો શેરબજારમાં અબજોનું ધોવાણ ! એનાથી વધારે થઈ થઈને શું થશે ?’
‘હા હોં ? મોદી હોય તો યે ભી મુમકીન હૈ…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment