... છતાં ટંગડી ઊંચી !

‘જોયું ? આખરે પાકિસ્તાને ઝખ મારીને ભારત સામે નાકલીટી તાણવી જ પડી ને ?’

અમે રણઝણસિંહને વર્લ્ડ-કપની વધામણી આપી. પણ એ તો અમને અવળા ચોંટ્યા :

‘અલ્યા મન્નુડા ! નાકલીટી ભારતે તાણી કે પાકિસ્તાને ?’

‘કેમ ? પાકિસ્તાન બહુ શેખી મારતું હતું ને, કે અમે ભારત સામે મેચ રમવા મેદાનમાં નહીં ઉતરીએ… તો હવે કેવા સીધા થઈ ગયા ?’

‘અલ્યા ડફોળ ? તું ય પેલા ભક્તોની જેમ ઘંટડી વગાડીને આરતી ઉતારવા લાગ્યો ?’

‘લો ! આમાં આરતી ક્યાં આવી ?’

‘અલ્યા, જે વાંકે બાંગ્લાદેશને સજા મળવી જોઈતી હતી ઈ તો મળી જ નંઈ ! ઉલ્ટું આઈસીસીએ જાણે તોફાની બાળકને લાડ લડાવતાં હોય તેમ કહ્યું કે જાવ, બાંગ્લાદેશને કોઈ દંડ નહીં થાય ! ઉપરથી ૨૦૨૭ અને ૨૦૩૧ની બે ટુર્નામેન્ટોની યજમાનગિરી સામે ચાલીને ઝોળીમાં નાંખી આપી !’

‘એ ખરું…’ અમે જરા ગુંચવાયા હતા છતાં પલટવાર ચાલુ રાખ્યો : ‘પણ પાકિસ્તાને તો મેચ રમવાની હા પાડવી જ પડી ને?’

‘અલ્યા, તને હજી કાં નથી હમજાતું કે પાકિસ્તાને નાક દબાવીને મોં ખોલાયવું છે ?’ રણઝણસિંહ બોલ્યા : 

‘જો પાકિસ્તાન ભારત સામે રમવા નો ઉતરે તો કરોડોની જાહેરખબરો લટકી ગઈ હોત ! આમાં નાક દબાયાં સ્પોન્સરોનાં… સ્પોન્સરોએ બોચી ઝાલી આઈસીસીની… અને આઈસીસીએ મુંડી હલાવીને પાકિસ્તાનનાં બગલબચ્ચાં જેવાં બાંગ્લાદેશને માફ કરવું પડ્યું !’

‘તોય… ભારતની ટીમ પાકિસ્તાનની ટીમ જોડે હાથ તો નહીં જ મિલાવે ને ?’

‘જોયું ?’ રણઝણસિંહે તાળી પાડીને કહ્યું ‘આને કહેવાય ટંગડી ઊંચી ! અલ્યા, એટલું બધું જોર હતું તો એશિયા કપની ટ્રોફી, જે ઓલ્યો નકવી લઈ ગ્યો છે, ઈ કેમ માનભેર અને માફી સાથે પાછી નો અપાવી શક્યા ?’

અમે માથું ખંજવાળતા રહ્યા… રણઝણસિંહ ખડખડ હસતા રહ્યા…

***

- મન્નુ શેખચલ્લી

Comments