બુફેમાં ધ્યાનથી જોજો !

આજકાલ મેરેજની સિઝન છે. હવે તો દરેક લગ્નમાં બુફેનો રિવાજ છે. આવાં બુફેમાં જો તમે ધ્યાનથી જુઓ તો ઘણી ગમ્મત છે…

*** 

રિસેપ્શન કમ બુફે ડિનરમાં સૌથી વધુ લાંબી લાઈનો ક્યાં હોય છે, ખબર છે ?

બે જગ્યાએ… એક, વર-કન્યા સાથે ફોટા પડાવવાની લાઈન અને બીજી, જ્યાં કોઈ સારી વાનગીનું ‘લાઈવ’ કાઉન્ટર હોય ત્યાં !

*** 

બુફેમાં સૌથી વધુ કન્ફ્યુઝ્ડ લોકો કોણ હોય છે, ખબર છે ?
એવા લોકો, જેમણે વારાફરતી તમામ આઈટમો પોતાની ડીશમાં ભરી લીધી છે… પછી એમને ખબર પડે છે કે એ તો ‘જૈન’ કાઉન્ટર હતું !

*** 

આવા બુફેમાં સૌથી અવ્યવસ્થિત અને ગંદકીભર્યું કાઉન્ટર કયું હોય છે, ખબર છે ?

ના ! એંઠી ડીશોનું નહીં… પણ જ્યાં પ્લાસ્ટિકના કપ વડે પીવાનું પાણી લેવાનું હોય છે એ ! તમે જોજો, લોકોએ ત્યાં ઠેર ઠેર ખાલી પ્લાસ્ટિકના કપ ફેંક્યા હશે ! એ તો ઠીક, અમુક લોકો તો ત્યાં ઊભા ઊભા કોગળા કરતા હશે !

*** 

અને બોલો, બુફેમાં સૌથી મોંઘી વાનગીનું કાઉન્ટર કયું હોય છે ?
અરે ભઈ, મુખવાસનું કાઉન્ટર ! કેમકે ત્યાં જ પેલા બે જણા ચાંલ્લો લખવાનો ચોપડો લઈને બેઠા હોય છે !

*** 

અચ્છા, સૌથી સારું લાઇટિંગ અને ડેકોરેશન કયા કાઉન્ટર પર હોય છે ?

અમને તો દર વખતે નવાઈ લાગે છે ! કેમકે જ્યાંથી માત્ર ડીશો લેવાની હોય છે અને ફાલતું ચણા-વટાણાનાં ‘સલાડ’ ગોઠવ્યાં હોય છે ત્યાં જ બધો ભભકો હોય છે !

*** 

અને ઊભાં ઊભાં ખાતી વખતે વાતોના મેઇન ટોપિક શું હોય છે?

(૧) તમે જમી લીધું ?
(૨) જમવામાં કઈ આઇટમ સારી છે ?
(૩) શું લાગે છે આ ટ્રમ્પનું ?

***

- મન્નુ શેખચલ્લી

Comments