એપાર્ટમેન્ટના વોટ્સએપ ગ્રુપમાં...

શું તમે પોળમાં રહો છો ? કે સાદી ટેનામેન્ટવાળી સોસાયટીમાં રહો છો ? કે પછી માત્ર ચાર માળવાળા ફ્લેટમાં રહો છો ? તો તમને શું ખબર હોય કે હાઈ-રાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોના વોટસએપ ગ્રુપમાં કેવું કેવું ચાલતું હોય છે ! જુઓ…

*** 

‘આથી તમામ મેમ્બરોને કડક સૂચના આપવામાં આવે છે કે કચરો કચરા પેટીમાં જ નાંખવો… આ ચોથી વાર લખવું પડે છે…’

‘લખવાનું બહુ સહેલું છે. કચરાપેટીઓ ઉભરાઈ જાય ત્યાં સુધી ખાલી કેમ નથી થતી ? આ ફોટો જુઓ…’

‘ઓ મિસ્ટર, પહેલાં તમારી જવાબદારી પૂરી કરો. તમારા વાર્ષિક મેન્ટેનન્સના પૈસા હજી જમા થયા નથી.’

‘આવું આખા ગ્રુપમાં લખવાની કંઈ જરૂર ખરી ? તમે મને ડાયરેક્ટ મેસેજ પણ કરી શક્યા હોત… પરંતુ હોદ્દેદારોમાં મેનર્સ જ નથી.’

‘જાહેરમાં કચરો અને એંઠવાડ ફેંકવો એ પણ મેનર્સ ના કહેવાય.’

‘હલો, મારી બેબીના ચશ્મા ખોવાયા છે. કોઈને જડ્યા હોય તો પ્લીઝ રિટર્ન કરજો…’

‘કેવા ચશ્મા હતા ? ફોટો મુકોને ?’

‘યાર, ફોટો શી રીતે મુકવાનો ? ચશ્મા ખરીદ્યા ત્યારે એનો ફોટો થોડો લીધો હોય ?’

‘મેં એક ચશ્મા કચરાપેટીમાં જોયા હતા.’

‘અચ્છા ? તો એનો ફોટો મુકોને ?’

‘હું પેલા વડીલની જેમ કચરાપેટીના ફોટા નથી પાડતો.’

‘ના. એ તો કચરો ઉપાડનારીના ફોટા જ પાડે છે ! એમણે રખાવેલી કામવાળીને સેક્રેટરીએ કાઢી મુકી છે એટલે જ પેટમાં દુઃખે છે.’

‘બધી સાફ-સફાઈ ‘બી’ બ્લોકમા જ થાય છે. કેમકે ચેરમેન સેક્રેટરી ‘બી’ બ્લોકવાળા જ છે.’

‘સાચી વાત છે. ‘સી’ બ્લોકની લિફ્ટનાં બટન બે મહિનાથી બગડેલાં છે. ચોથા માળે લિફ્ટ ઊભી જ નથી રહેતી.’

‘હલો… ‘સી’ બ્લોકની લિફ્ટમાં મારું ડોગી રહી ગયું છે અને એ લિફ્ટ બંધ પડી છે !’

‘અત્યંત ખેદ સાથે જણાવવાનું કે અમારું માતુશ્રીનું થોડીવાર પહેલાં જ અવસાન થયું છે…’

(ધડાધડ ‘ઓમ શાંતિ’ અને ‘આરઆઈપી’ના મેસેજો ચાલુ થઈ જાય છે.)

‘હલો… કોઈ ‘સી’ બ્લોકની લિફ્ટ ચાલુ કરાવશો?...’ ‘હલો.. હલોઓઓ…’

(‘ઓમ શાંતિ’ના મેસેજો હજી ચાલુ જ છે….)

***

- મન્નુ શેખચલ્લી

Comments