આજનો સમય ઝડપથી બદલાતો જાય છે. એની સામે જમાનો એટલી ઝડપે બદલાઈ શકતો નથી. આમાં ને આમાં…
***
અગાઉ કહેતા હતા કે પતિ-પત્નીની જોડીઓ ઉપરવાળો બનાવીને મોકલે છે…
હવે મોડે મોડે સમજાય કે ‘ઉપર’ પણ કામકાજમાં લોચા જ છે!
***
અગાઉ ભણવામાં આવતું હતું કે પાણી વિના માનવીનું જીવન મુશ્કેલ છે…
પણ હવે એ જ વાત અમારો દૂધવાળો અમને કહી રહ્યો છે ! બોલો.
***
અગાઉ વડીલો આશીર્વાદ આપતા હતા : ‘સદા સુખી રહો…’
હવે એ જ આશીર્વાદને લીધે કંઈ કેટલાય છોકરાઓ ‘પરણ્યા’ વિનાના રહી જાય છે ! (થઈ ટ્યુબલાઈટ ?)
***
વડીલો કહેતા હતા કે ‘મોંઘા કપડાં પહેરવાથી કોઈ માણસ મોટો નથી થઈ જતો.’
આજે એવું છે કે માણસ મોટો ત્યારે જ થાય છે જ્યારે એનાં કપડાં નાનાં પડી જાય છે !
***
અગાઉ આપણે મોટી બિમારીમાંથી બહાર આવીએ તો ડોક્ટરોનાં નામ લેતા હતા.
હવે રૂપિયા ગણાવીએ છીએ : ‘પુરા પચાસ હજારનો ખર્ચો થયો… ત્યારે માંડ પત્યું !’
***
‘તમારું ભાણું કરી દઉં ?’ અને ‘બધું ફ્રીજમાં છે, જમી લેજો…’
આ બે વાક્યો વચ્ચેનું અંતર એટલે લગ્નને થયેલાં વરસો !
***
અગાઉ પુસ્તકો દુકાનમાં અને જુતાં ફૂટપાથ ઉપર વેચાતાં હતાં.
આજે જુતાં એરકન્ડીશન્ડ શો રૂમમાં અને પુસ્તકો ફૂટપાથ પર વેચાય છે.
***
‘હું તારા વિના એક શ્વાસ પણ નહીં લઈ શકું…’
આવું આજકાલ કોઈ પોતાના ‘નાક’ માટે ક્યારેય નથી કહેતું !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment