એઆઈની નવી જોક્સ !

આવનારા સમયમાં માણસ દરેક વાતમાં એઆઈને પૂછીપૂછીને બધું કરતો થઈ જશે ત્યારે શું શું થશે ?

*** 

એક દારૂડિયાએ એઆઈને પૂછ્યું : ‘દારૂ છોડાવવા માટે શું કરવું જોઈએ ?’

જવાબને બદલે સવાલ આવ્યો : ‘ક્યાંથી છોડાવવાનો છે ? પોલીસ સ્ટેશનમાંથી કે બોર્ડર પરથી ?’

*** 

દારૂડિયાએ હવે સવાલ બદલ્યો : ‘દારૂ છોડવા માટે શું કરવું જોઈએ ?’

એઆઈએ જવાબ આપ્યો : ‘પહેલાં પકડો તો ખરા ?’

*** 

એક સટોડિયાએ શેરબજારમાં નવી આવેલી કંપનીના શેરમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, તેની સલાહ માગી.

એઆઈએ પુરા એક કલાક સુધી તો જવાબ જ ના આપ્યો ! એ તો ઠીક, એની પાંચ મિનીટ પછી આખું એઆઈ સોફ્ટવેર જ ક્રેશ થઈ ગયું !

આવું કેમ થયું હશે ? એવું વિચારીને સટોડિયાએ પોતાનું લેપ-ટોપ એક એક્સ્પર્ટને બતાડ્યું. એક્સ્પર્ટે બે દિવસ સુધી ડેટા હિસ્ટ્રી ચેક કરીને કીધું :

‘સાહેબ, તમારું એઆઈ પેલી કંપનીના પ્રોસ્ટેક્ટસમાં સાવ કીડીના પગ જેવા ઝીણા અક્ષરે લખેલી વિગતો વાંચવા બેઠું હતું ! એટલે…’

*** 

એક સુંદર છોકરીના છ આઈટીવાળા બોયફ્રેન્ડ હતા. વેલેન્ટાઈનના ‘પ્રપોઝ-ડે’ના દિવસે છએ છ બોયફ્રેન્ડોએ એઆઈની મદદ લઈને મેરેજ માટે પ્રપોઝ કરવાનો મસ્ત રોમેન્ટિક મેસેજ મોકલ્યો !

પેલી છોકરી મેસેજો વાંચીને અકળાઈ ગઈ ! કેમકે છએ છ મેસેજો ડિટ્ટો સેઈમ ટુ સેઇમ હતા !

છોકરીએ છોકરાઓને પૂછ્યું ‘હરામખોરો ! તમારા બધાની મરેજ પ્રપોઝલો સેઈમ કેમ છે ?’

જવાબ મળ્યો : ‘એક જ એઆઈ સોફ્ટવેર પાસે લખાવી હતી ને, એટલે !’

જોકે મજાની વાત તો એ હતી કે છએ છ જણા આ જ રીતે એઆઈ વડે એક્ઝામો આપી આપીને ‘ગ્રેજ્યુએટ’ થયા હતા !! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments