નવા પ્રિ-વેલેન્ટાઈન ડેય્ઝ !

આમ તો વેલેન્ટાઈન ડે આવે એ પહેલાં જાણે ઇસરોનું રોકેટ છૂટવાનું કાઉન્ટ ડાઉન થતું હોય તેમ ‘રોઝ ડે’ ‘ટેડી બેર ડે’ ‘પ્રોમિસ ડે’ અને ‘પ્રપોઝ ડે’ જેવા દિવસો ગણવાનો રીવાજ છે.
પરંતુ બદલાયેલી સ્થિતિ મુજબ હવે એમાં નવા ડે રાખવાની જરૂર છે…

*** 

રિ-ચાર્જ ડે :
ગર્લ ફ્રેન્ડના મોબાઈલમાં આખા વરસનું રિ-ચાર્જ કરી આપવાનો દિવસ ! જેથી મોડી રાત સુધી વિડીયો કોલ ઉપર એ એના અન્ય ‘મેલા બાબુ-શોના’ સાથે પણ વાતો કરી શકે.

*** 

બેલેન્સ ડે :
ગર્લ ફ્રેન્ડની બેન્કમાં ભલે એના ડેડી થોડું ઘણું બેલેન્સ કરી આપતા હોય. પરંતુ જો બીબીએફ યાને કે ‘બેસ્ટ બોય ફ્રેન્ડે’ પોતાની ગર્લફ્રેન્ડની રીલેશનશીપને ડગમગી જતાં બચાવવી હોય તો એના મોબાઈલમાં ‘વજનદાર’ બેલેન્સ કરાવી આપવાનો દિવસ.

*** 

શોપિંગ ડે :
ફક્ત ટેડી બેર પકડાવી દેવાથી કામ નહીં ચાલે ! હવે તો ગર્લફ્રેન્ડને મોટા શોપિંગ મોલમાં લઈ જઈને ‘છુટ્ટી મુકી દેવાનો’ રીવાજ છે ! ‘આમાં મારી જાનું, તારે જે લેવું હોય તે લઈ લે… હું ‘બેઠો’ છું એમ તો હરગિઝ નથી કહેવાનું ! 

કેમકે માત્ર ‘બેસી’ નથી રહેવાનું… બલ્કે એની સાથે ને સાથે રહેવાનું છે ! જેથી ‘આ લઉં ?’ કે ‘આ લઉં ?’ માં તમારે ‘બંને લઈ લે’ કહેવાની ફરજ પડતી રહે…

*** 

મનામણાં ડે :
આમાં ‘રીસામણાં ડે’  તો ગર્લફ્રેન્ડ જ ઉજવશે ! તમારે તો માત્ર ‘આઈ એમ સોરી બેબી ! આઈ એમ સો સોરી…’ની પ્રેક્ટિસો જ કરવાની છે ! જેથી પેલીને ભરોસો પડે કે આ બબૂચક પરફેક્ટ ‘હસબન્ડ મટિરીયલ’ લાગે છે !

*** 

હાર્ટ-બ્રેક-ડે :
આ મોટાભાગે ૧૪ ફેબ્રુઆરીની મધરાત પછી શરૂ થાય છે અને ૧૫ ફેબ્રુઆરીની આખી રાત સુધી ચાલે છે. આ દિવસ એવા પ્રેમીઓએ ઉજવવાનો હોય છે જેને સાવ મોડે મોડે ટ્યુબલાઈટ થાય છે કે ‘મારાવાળીએ મારા જેવા બીજા ચાર બોયફ્રેન્ડો પાળી રાખ્યા છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments