સોશિયલ મીડિયામાં વર્ણ વ્યવસ્થા ?!

આરએસએસના વડા મોહન ભાગવત કહે છે કે હવે જાતિવાદ માત્ર રાજકીય અને સ્વાર્થી હિતો માટે જ રહી ગયો છે, એ સિવાય તો લગભગ ખતમ થઈ ગયો છે !

પણ ભાગવતજીને ક્યાં ખબર છે કે હવે સોશિયલ મિડીયામાં નવો જાતિવાદ, યાને કે નવી ‘વર્ણ-વ્યવસ્થા’ ચાલી રહી છે ! જુઓ…

*** 

એલિટ-વર્ણ :
આમાં બધી ઉચ્ચવર્ગની સેલિબ્રિટીઓ છે ! જેમકે ફિલ્મસ્ટારો, ક્રિકેટરો, રાજકીય નેતાઓ, હાઈ પ્રોફાઈલ પત્રકારો અને ન્યુઝમાં રહેવા માગતા અબજપતિ ઉદ્યોગપતિઓ ! 

આમાંથી કોઈ છીંક પણ ખાય તો મિડીયામાં સુનામી આવે છે ! એટલું જ નહીં, આવી સુનામી સર્જવા માટેની આખી ફોજ તૈયાર હોય છે.

*** 

નકલ-વર્ણ :
સોશિયલ મિડીયામાં આ આખી એક જમાત છે જે માત્ર અને માત્ર બીજાની નકલ કરવામાં જ રમમાણ છે ! 

આ વર્ણના લોકો બીજાએ ગાયેલાં ગાયનો, બીજાએ કરેલા ડાન્સ, બીજાએ બનાવેલી જોક્સ, બીજાએ લખેલી શાયરીઓ અને બીજાઓએ આપેલું જ્ઞાન સુંદર રીતે ‘કોપી’ કરી જાણે છે ! છતાં, આ સૌ લોકો પોતાને ‘ઇન્ફ્લુએન્સર’ સમજે છે. બોલો.

*** 

ખાઉ’ વર્ણ :
ના, ભ્રષ્ટાચારીઓની વાત નથી ! આ તો પેલા ફૂડ-વ્લોગરો ! ખરેખર તો આ બિચારાઓની ‘ભૂખ’ ફેમસ થવાની છે ! 

એટલે જ ફૂટપાથની લારીઓ, હાઈવેના ઢાબા, મીઠાઈ-ફરસાણની દુકાનો તથા તમામ પ્રકારની રેસ્ટોરન્ટોમાં જઈ જઈને ખા-ખા કરે છે !

*** 

મહિલા-જાતિ :
જી હા, આ માત્ર વર્ણ નહીં પણ જાતિ એટલે કે ‘જેન્ડર’ છે !

દેશની આ મહિલાઓ રસોઈ કરતાં કરતાં, શોપિંગ કરતાં, વેકેશનમાં ફરતાં, બહેનપણીઓ સાથે બર્થ-ડે એનિવર્સરી વગેરે ઉજવતાં અથવા કંઈપણ કરતાં કરતાં પોતાની સેલ્ફીઓ, વિડીયો અને ફોટાઓ સતત અપલોડ કર્યા જ કરે છે ! 

અને હા એમનું ‘મહેનતાણું’ મોટેભાગે એમના પતિઓ ચૂકવે છે.

*** 

ઉપેક્ષિત વર્ણ :
આમાં બિચારા કવિઓ, પત્રકારો અને બુદ્ધિજીવીઓ છે જે સખત મહેનત કરીને વીસ વીસ મિનિટના લાંબા વિડીયો બનાવે ચે જેને ક્યારેક ૯૩ તો ક્યારેક ૩૩ વ્યુઝ મળે છે !

*** 

પેઈડ-વર્ણ :
આ બધા પેઈડ પત્રકારો અને પેઈડ બુદ્ધિજીવીઓ છે ! અને એમની પોતાની ‘ચેનલો’ (બંને અર્થમાં) હોય છે ! બોલો.

*** 

ભક્ત-વર્ણ :
આને અંગ્રેજીમાં ‘ફોલોઅર્સ’ કહે છે ! જેની સંખ્યા એસસી/એસટી અને ઓબીસીની જેમ કુલ ૮૦ ટકા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments