આજના વડીલોને એક જમાનામાં જે ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ હતી એવું લાઈવ મ્યુઝિક સાંભળવું ગમે છે. જ્યારે આજની નવી જનરેશન ‘કોન્સર્ટ’ સાંભળવા જાય છે. આ બેમાં ફરક શું છે ? સાંભળો…
***
કોન્સર્ટમાં ૧૦૦૦ રૂપિયાની ટિકીટ લીધા પછી પણ તમને ખુલ્લા ગ્રાઉન્ડમાં પાછળની બાજુએ ઊભા રહેવાનું જ મળે છે !
જ્યારે મ્યુઝિકલ પાર્ટીમાં ૫૦૦ રૂપિયામાં એસી હોલમાં બેસવા માટે સરસ સીટ મળે છે !
***
મ્યુઝિકલ પાર્ટીમાં મહાન ગાયકો તથા મહાન સંગીતકારોને નાના નાના કલાકારો દ્વારા ‘અંજલિ’ આપવામાં આવે છે.
જ્યારે કોન્સર્ટમાં પરફોર્મ કરનારા પોતાની જાતને ઓલરેડી ‘મહાન’ ગાયક-સંગીતકાર સમજે છે !
***
કોન્સર્ટમાં વધુમાં વધુ છ-સાત સાજિંદા (વાજિંત્રો વગાડનારા) હોય છે પણ સ્પીકરો કાન ફાડી નાંખે એવો અવાજ ફેંકે છે !
જ્યારે મ્યુઝિકલ પાર્ટીમાં ૧૫-૨૦ સાજિંદા તો મિનિમમ હોય છે. (ક્યારેક તો ૪૦-૫૦ હોય છે) છતાં સ્પીકરમાંથી એવો કાન ફાડી નાંખે તેવો અવાજ આવતો નથી !
***
કોન્સર્ટમાં ગાયક જે ગાયનો ગાય છે એની શરૂઆતની એક બે લાઈન જ પ્રેક્ષકોને આવડતી હોય છે.
જ્યારે મ્યુઝિકલ પાર્ટીમાં ગવાતા તમામ ગીતો પ્રેક્ષકોને લગભગ આખેઆખા મોઢે હોય છે !
***
કોન્સર્ટમાં ગાયક ગાય તેના કરતાં હજારોની સંખ્યામાં ઉમટેલા પ્રેક્ષકો વધારે ચીચીયારીઓ પાડતા હોય છે ! (નવો વેસ્ટર્ન રિવાજ છે.)
જ્યારે મ્યુઝિકલ પાર્ટીમાં શ્રોતાઓ આખેઆખા ગીતો ખૂબ ધ્યાનથી સાંભળે છે. અને બહુ પસંદ આવે તો જ (અને પુરૂં થયા પછી જ) તાળીઓના ગડગડાટ કરે છે. (બહુ અઘરા પ્રેક્ષકો છે ભૈશાબ.)
***
અમદાવાદી ગણિતના હિસાબે કોન્સર્ટ માત્ર દોઢ કલાક ચાલે છે જ્યારે મ્યુઝિકલ પાર્ટીનો શો ત્રણ કલાકનો હોય છે.
છતાં અમદાવાદના ન.મો. સ્ટેડિયમમાં હજારો રૂપિયા ખર્ચીને લગભગ લાખ જેટલા લોકો ઊભા ઊભા ‘કોલ્ડ-પ્લે’ સાંભળવા આવ્યા હતા ! બોલો, કંઈ કહેવું છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment