રણઝણસિંહનું બજેટ રિએક્શન !

‘આ બજેટ વિશે તમારું શું કહેવું છે ?’

અમે અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ સમાન રણઝણસિંહને આ સવાલ કર્યો કે તરત એમણે મોં બગાડ્યું :

‘મન્નુડા, જે બજેટ સિગારેટના ભાવ વધારે અને બીડીના ભાવ ઘટાડે ઈને બજેટ નો કે’વાય ! ’

‘સાચી વાત છે. જુઓને, શેરબજારમાં ૧૦ લાખ કરોડનું ધોવાણ થાય એવો કડાકો બોલી ગયો.’

‘ઈ તારું શેરબજાર પણ ‘શેર’ નહીં, બિકણ બિલાડી જેવું છે !’

‘કેમ એવું બોલો છો ?’

‘અલ્યા, ફ્યુચર ઓપ્શનમાં જ્યાં પુરા એક કરોડનું ટર્નઓવર કરો ન્યાં માંડ બે હજાર ભરવા પડતા ’તા, ઇના માત્ર પાંચ હજાર કઈરા એમાં તો આ છાતી કૂટવા માંઈડા ! આ તે સાલું શેરબજાર છે કે લજામણીના છોડવાનું જંગલ ?’

‘પણ -’

‘પણ શું ? આનાં કરતાં તો ભારતનો મધ્યમવર્ગ છપ્પનની છાતીવાળો ગણાય, જે રોજબરોજની સેંકડો ચીજોની મોંઘવારીનો માર વરસોથી સહન કરી લ્યે છે.’

‘ઓકે. કબૂલ. પણ એ સિવાય ?’

‘રેફ્રીજરેટરુંને કરમુક્ત કરી દેવાં જોઈએ !’

‘રેફ્રીજરેટર ?’

‘હા ફ્રીજ… ઈ તો હાવ સસ્તાં હોવાં જોઈં ! ઇ લક્ઝરી આઈટમ કે’વાય જ નંઈ ! અલ્યા, જે ગરમ દેશમાં ટેમ્પરેચરું ૩૯, ૪૦ને ૪૨ ડીગ્રી લગી જાય છે ન્યાં ફ્રીજ લકઝરી ગણાય કે પાયાની જરૂરીયાત ?’

‘વાત તો સાચી.’

‘તું તો કવ છું કે નાની સાઈઝનાં ફ્રીજું બનાવવા માટે સબસીડીયું દેવી જોઈઁ ! જેથી મામુલી ચાલીમાં રે’નારાં પરિવારુને ય પોષાય.’

‘તમારી વાતમાં દમ તો છે.’

‘તો હજી હાંભળ…’ રણઝણસિંહે ચલાવ્યું. ‘તમારાં ઓલ્યાં નિર્મલાજી શસ્ત્રોમાં જેટલા રૂપિયા ફાળવે છે એટલા સોલાર એનર્જીમાં નવી રિસર્ચ કરવા હાટું ફાળવવાં જોઈં !’

‘પણ સોલાર એનર્જીમાં ખાસ રિસર્ચ થઈ જ નથી.’

‘તો ઈ કોણ કરશે ? યુરોપના ઠંડા દેશો ? કે અમેરિકા ? જેને આખી દુનિયાં ઉપર ઓઈલનું જ રાજકારણ રમવું છે…’

‘પણ ભારતમાં ટેલેન્ટ જ ક્યાં છે ?’

‘તો વિદેશથી વૈજ્ઞાનિકો બોલાવો ? એમની સાત પેઢી ખાય એવા પગાર દ્યો…! પણ જો એકવાર સોલાર એનર્જીમાં ભારત મહારાત મેળવી લ્યે તો ગલ્ફ કંટ્રીઝની આડાઈ અને અમેરિકાની દાંડાઈ, બન્નેનો તોડ મળી જાય કે નંઈ ?’

- અમે હજી માથું ખંજવાળી રહ્યા છીએ..

***

- મન્નુ શેખચલ્લી

Comments