ગઈકાલે તમને અજાયબીભર્યા પુલોનાં દર્શન કરાવ્યાં તે સિવાય પણ બીજી અજાયબીઓ ‘ગિનિસ બુક’માં નોંધાવા માટે તૈયાર ઊભી છે ! આવો…
***
આવો… જોઈ લો… આ છે ‘ફોર વ્હીલર ચેલેન્જ’ નામનો ખતરનાક બ્રિજ !
આ બ્રિજ અમે દુનિયાભરમાં બેસ્ટ કાર બનાવનારાઓને ચેલેન્જ આપવા માટે બનાવ્યો છે ! ચેલેન્જ એ છે કે તમે એવી કાર બનાવો, જે અચાનક ૯૦ ડીગ્રીએ ટર્ન લઈ શકે !
જી હા, ઇન્દોરમાં બનેલો આ ફ્લાય ઓવર અચાનક નેવું અંશના ખૂણે વળી જાય છે ! અમારા જિનીયસ એન્જિનિયરોએ એની આ ‘જિનિયસ ડિઝાઈન’નો કોપીરાઈટ નથી નોંધાવ્યો…
કેમકે દુનિયામાં કયા દેશની હિંમત છે આવો પુલ બનાવવાની ?
***
હવે જુઓ… એક ઇમોશનલ ‘બ્રિજ લવ-સ્ટોરી’…!
શું છે આ લવ-સ્ટોરી ? તો કહાણી એવી છે કે એક બાજુથી રેલ્વેવાળા પુલ બનાવી રહ્યા હતા, બીજી બાજુથી મુંબઈની મહાનગરપાલિકા બ્રિજ બનાવી રહી હતી. બંનેનું ‘મધુર મિલન’ એકબીજા સાથે થવાનું હતું…
પરંતુ વિધિની વક્રતા જુઓ… જમાનાની ક્રૂરતા જુઓ આ બંને ડિપાર્ટમેન્ટો જાણે કોઈ બે ફિલ્મી ખાનદાનો હોય તેમ આ ‘મિલન’ની વિરુદ્ધ હતા… એટલે આ બંને પુલો વચ્ચે પુરા સાડા સાત ફૂટનો ગેપ રહી ગયો છે !
એક માન્યતા એવી છે કે જેમ જેસલ અનેતોરલની સમાધિઓ વરસે વરસે બબ્બે ઇંચ એકબીજાની નજીક આવે છે એ જ રીતે… અહીં ‘હેપ્પી એન્ડીંગ’ પણ આવશે !
***
મહેરબાનો… કદરદાનો… જો તમારે ‘તરતા પુલ’ જોવા હોય તો ચોમાસાની મોસમમાં અમારા બિહારમાં જરૂર પધારો ! અહીં તમને નદીઓના મામુલી પુરમાં, પગથી માથા સુધી સિમેન્ટ-કોંક્રીટ વડે બનેલા પુલો નદીમાં જાતે ભૂસકો મારીને તરતા જોવા મળશે !
(આના પણ કોઈ કોપીરાઈટ નથી. છતાં, છે કોઈની હિંમત ?)
***
અને છેલ્લે… તમારે આવવું પડશે અમારી સરકારી ઓફિસોમાં !
તમે પૂછશો કે ભઈ, ઓફિસોમાં મોટા મોટા પુલ ? શી રીતે બાંધ્યા ? તો સાહેબો, જુઓ… જુઓ… આ ફાઈલો ખોલીને જુઓ… અમે કરોડોના ખર્ચે માત્ર ‘ઓન પેપર’ પુલો બાંધીએ છીએ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment