ડોક્ટર, બિલ્ડર અને જ્યોતિષીની ભાષામાં...

આજે દેશ અને દુનિયાની હાલત સાવ વિચિત્ર છે. જો રાજકીય પંડીતોની ભાષામાં એનું એનાલિસિસ સાંભળીને કંટાળી ગયા હો તો હવે અલગ અલગ ફિલ્ડની ભાષામાં સાંભળો… મજા આવશે.

*** 

ડોકટરોની ભાષામાં :

અમેરિકાની કંડીશન સતત હાઈપરટેન્શન અને હાઈ-બીપીના કારણે બગડી રહી છે.પાચનતંત્ર નબળું હોવાથી વેનેઝુએલા હજી પચતું નથી, ત્યાં તો પેશન્ટ ગ્રીનલેન્ડ ખાવાના ઉધામા કરી રહ્યું છે. દરેક વાતમાં ધમકીની ભાષામાં વાત કરવાને કારણે મેન્ટલ સ્ટેબિલીટી જોખમાઈ રહી છે. ઉપરથી પેશન્ટ કોઈપણ જાતની દવાઓ કે ટ્રિટમેન્ટના પ્રિસ્ક્રીપ્શન લેવાની જ ના પાડે છે. ગોન કેસ..

*** 

બિલ્ડરોની ભાષામાં :

અમેરિકાએ વેનેઝુએલાની મોકાની જગ્યાએ ભેલાણ કરીને પચાવી તો પાડી છે પણ એ પ્રોપર્ટીના ડેવલપમેન્ટમાં હજી લિગલ અડચણો ઊભી જ છે. કેમકે અમેરિકાના સબ-કોન્ટ્રાક્ટરો પ્રોજેક્ટમાં પોતાની સેફ્ટી માગી રહ્યા છે.

બીજી બાજુ ગાઝા પટ્ટીનો મેગા-પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો છે કેમકે પ્લોટમાંથી જુનો કાટમાળ ખસેડવાના કોન્ટ્રાક્ટો હજી અપાયા નથી. એટલું જ નહીં, ત્યાંનાં લિગલ રહેવાસીઓ જમીનનો કબજો છોડવા હજી રાજી નથી, છતાં મોટું બ્રોશર બહાર પાડીને ઊંચા ભાવની સ્કીમ એનાઉન્સ કરી છે. એમાં બે પાંચ પાર્ટી સિવાય કોઈનાં બુકીંગ આવ્યા નથી. હવાઈ કિલ્લા છે….

*** 

જ્યોતિષીની ભાષામાં :

દેશકાળ અને દુનિયાનો સમય અતિ વક્રી ચાલ ચાલી રહ્યો છે. મોદીને ટ્રમ્પ નડે છે. ટ્રમ્પની કુંડલીમાં ચીન બારમે અને રશિયા આઠમે છે. યુક્રેનની સાડા સાતીનો ગાળો હવે લોઢાને પાયે શરૂ થયો છે. 

ભારતના શુભ સ્થાન ઉપર એક બાજુથી બાંગ્લાદેશ અને બીજી બાજુથી પાકિસ્તાનની મેલી દૃષ્ટિ પડી રહી છે. રૂપિયો નીચનો બનીને સૌને નડી રહ્યો છે. વિકાસ વક્રી થયો છે અને ભ્રષ્ટાચારનું ભ્રમણ લોભ-લાલચનો કનિષ્ઠ યોગ રચે છે.

બચવા માટે આંખો મીંચીને ‘ઓમ શાંતિ’ના જાપ કરો, 
બીજું શું ?

***

- મન્નુ શેખચલ્લી

Comments