આપણા ગુજરાતી લેખકોમાં જે ચિંતનલેખો લખે છે ને, એમનું જબરું હોય છે ! એ લોકો ગમે ત્યાંથી લાકડે-માંકડુ ગોઠવીને કંઈપણ ચાંપલું-ચાંપલું લખી નાંખે છે !
જુઓને, ઉત્તરાયણ જેવા મસ્ત તહેવારોમાં ય એમને કેવું ‘ગહન’ ચિંતન સુઝે છે…
***
એક ચિંતનકાર લખે છે :
‘પતંગો આકાશમાંથી બધું જુએ છે.’
(લો બોલો. અત્યાર સુધી તો આપણે એમ માનતા હતા કે ભગવાન ઉપરથી બધું જુએ છે. પણ આ નવું લાવ્યા ! સવાલ એ છે કે પતંગો ઉપરથી બધું જોઈને કરે છે શુંઉંઉંઉં ? કપાઈને ક્યાંક પડે ત્યારે આપણી પંચાતો કરે છે ? અને કરતા હોય તોય શું ફેર પડે છે, બાપાઆઆ?)
***
બીજા ચિંતનકારનું ગૂઢ વાક્ય છે :
‘પતંગ કદી કપાતો નથી. માત્ર એની દોરી જ કપાય છે.’
(હા ભઈ હા, તમે જે આ મહાન વૈજ્ઞાનિક શોધ કરી છે એનું અમારે કરવાનું શું ? વડીલ, આ પ્રોબ્લેમ ગ્રામરનો છે ! જેમકે ‘લોટ દળાતો નથી. દળાય છે તે તો અનાજ છે…’ હવે બોલો, આમાં લોટ પાસેથી માણસે શું શીખવાનું છેએએએ?)
***
આ ત્રીજું તો ચિંતનકારોનું મોસ્ટ ફેવરીટ વાક્ય છે :
‘પતંગ આપણને ઢીલ દેતાં શીખવે છે. જો ઊંચે ઉડવું હોય તો સંબંધોમાં ઢીલ આપતાં શીખો.’
(લો બોલો ! પતંગો પેચ લડાવતાં નથી શીખવાડતા ? બીજાની પતંગ કાપી નાંખતા નથી શીખવાડતા ? કારણ વિના ઠુમકા માર્યા કરવાનું પણ પતંગ જ શીખવાડે છે ને ? અને ‘ગોથ મારવાનું’ ‘કમાન છટકાવવાનું’ અને ‘ચગી જવાનું’ પણ પતંગ જ શીખવાડે છે ને ? બોલ્યા મોટા…)
***
એમાંય વળી જ્યારે ચિંતનકાર રોમેન્ટિક થઈ જાય છે ત્યારે કંઈ ભલતું જ લખી નાંખે છે. જેમકે :
‘પતંગ એ આકાશને લખેલો ખુલ્લો પ્રેમપત્ર છે.’
(યાર, ક્યાંથી ક્યાં ચોકઠાં ગોઠવો છો ? જુના જમાનામાં અમે ચાર ધાબાં દૂર જે રૂપાળી દેખાતી હતી એને પતંગ વડે ‘આઈ લવ યુ’ કહેવા માટે આખી બપોર ઠુમકા મારતા હતા ! અને તમે યાર અમારા પતંગનું ડાયરેક્ટ આકાશ જોડે લંગસિયું લડાવી નાંખ્યું ?)
***
આ ચિંતનકારો કરતાં આજકાલના દેશભક્તો સારા ! એક ભક્તે પોસ્ટ મુકી છે :
‘ચાઇનિઝ દોરી એ ચીનનું કાતિલ છતાં ગુપ્ત હથિયાર છે અને ચાઇનિઝ દોરી બનાવનારા ચીનના છુપા આતંકવાદીઓ છે !’ બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment