અમુક અખબારી ખબરો જ એવી હોય છે જેમાં ખણખોદ કર્યા વિના રહી શકાતું નથી…
***
ટ્રમ્પ કહે છે કે હું ગ્રીનલેન્ડના દરેક નાગરિકને ૧ લાખ ડોલર આપવા તૈયાર છું !
- ઓ ટ્રમ્પકાકા ! જરા મોદીજીને કહીને અમારા ખાતામાં પેલા ૧૫-૧૫ લાખ આવે એવું પણ કરો ને ?
***
વિશ્વશાંતિ માટેના નોબેલ પ્રાઈઝના વિજેતા મારિયા મચાડો કહે છે કે હું આ પ્રાઈઝ ટ્રમ્પને આપવા માગું છું !
- લો બોલો ! આને ‘વૈધ્વય’ પછીનું શાણપણ કહેવું ? કે ‘યુધ્ધ’ પછીની ‘શાંતિ’ કહેવી ? કે પછી ‘સોટી વાગે ચમચમ, જ્ઞાન આવે ઘમઘમ…’ કહેવું ?
***
ચીનમાં એક છોકરાની ‘એઆઈ’ ગર્લફ્રેન્ડે ફેમિનિઝમના મુદ્દે બ્રેક-અપ કરી નાંખ્યું ! બોલો.
અને અહીં ? તેં મને મોમોઝ કેમ ના ખવડાવ્યા, એ વાતે બ્રેક-અપો થઈ જાય છે..
***
એક સરવે કહે છે કે પાકિસ્તાનના ૬૩ ટકા યુવાનો કદી સ્કૂલમાં ભણવા જ ગયા જ નથી !
- પણ શું એવો સરવે થયો છે કે પાકિસ્તાનના કેટલા યુવાનો મદરેસામાં નહોતા ગયા ?
***
ગુજરાતમાંથી ચાઈનિઝ દોરીનો કુલ ૨.૬૭ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
- એક જ ચાઇનિઝ પ્રોડક્ટ એવી છે, જે ‘મેઇડ ઈન ચાઈના’ નથી. કેમકે આપણે હવે આત્મનિર્ભર થઈ ગયા છીએ !
***
વેનેઝુએલાના પૂર્વ પ્રેસિડેન્ટ માદુરો ઉપર અમેરિકાની કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.
- ભારતના કપિલ સિબ્બલ માદુરોનો કેસ લડવા તૈયાર છે ! પણ કહે છે કે ‘અહીંના કૂતરાંવાળો કેસ પતે પછી જ ટાઈમ મળશે !’
***
ઈડીના દરોડા વખતે મમતા બેનરજી જાતે ધસી આવ્યાં અને ફાઈલો તથા પેન-ડ્રાઈવ લઈને જતાં રહ્યાં !
- આને કહેવાય ‘ડાયરેક્ટ એકશન’ ! બાકી બિચારા ટ્રમ્પ એમની એપસ્ટીન ફાઈલો બચાવવા માટે કેટકેટલું ઝઝૂમ્યા ? છેવટે બધું ‘ઓનલાઈન’ ગાયબ કરવાનો વારો આવ્યો… કંઈક શીખો મમતાજી પાસેથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment