ફેસબુકમાં ઈન્ટરનેશનલ પંચાત !

‘વેનેઝુએલાના પ્રેસિડેન્ટને રાતોરાત કેવો ઉપાડી લીધો ? જબરું કહેવાય, નહીં ?’

‘આ તો અમેરિકા છે ભઈ, કંઈ બી કરી શકે.’

‘એમ ? તો તો મોદી સાહેબને બી ઉપાડી લે ?’

‘કંઈ ખાવાના ખેલ છે ? એ છપ્પનની છાતીવાળો માણસ છે.’

‘તો શું થયું ? માદુરોની છાતીનું માપ શું છે ? કોઈ એઆઈને પૂછીને કહો ને -’

‘એમ તો આપડા ટ્રમ્પની છાતીનું માપ બી ખબર નથી.’

‘અલ્યા, ગ્રુપમાં બધાએ દરજીની દુકાનો ખોલી છે કે શું ? શેનું માપ… માપ… કર્યા કરો છો ?’

‘પણ હું શું કહું છું, હવે ઇન્ડિયાને વેનેઝુએલાનું ઓઇલ મળવાનું ને ?’

‘ઇન્ડિયાને નંઈ બકા… રિલાયન્સને !’

‘જે હોય તે, પણ એનાથી પેટ્રોલના ભાવ ઘટવાના ખરા ?’

‘રશિયાએ સસ્તામાં આલ્યું તોય ઘટ્યા ખરા ?’

‘એટલે જ કહું છું, ડિઝલ ગાડી વાપરો.’

‘ઓ ભઈ, પેટ્રોલ અને ડિઝલ બંને ક્રૂડ ઓઈલમાંથી જ બને.’

‘આપડે તો સીએનજી કીટ છે એટલે એમાં તો કંઈ વધઘટ નહીં થવાની ને ?’

‘એ અદાણીને પૂછો.’

‘આ અદાણી કેમ કંઈ બોલતા નથી ?’

‘એમ તો અંબાણી બી કંઈ બોલ્યા ?’

‘બધા મોટા લોકો બધું કામકાજ ચૂપચાપ પતાવે, આપણી જેમ ઢંઢેરા ના પીટે.’

‘બાકી, વેનેઝુએલા કન્ટ્રી બ્યુટિફૂલ છે હોં ! હું ચાર વરસ પહેલાં ગયેલો.’

‘જોયું ? ઢંઢેરો પીટ્યો ને ?’

‘એમ તો મોદી સાહેબ પણ જ્યાં જાય છે ત્યાં ઢંઢેરો પીટે જ છે ને ?’

‘હા બોલો. હમણાં સોમનાથ ગયેલા, મંદિરનું ઉદ્‌ઘાટન કરવા.’

‘ઓ બકા, ઉદ્‌ઘાટન કરવા નહોતા ગયા. આ તો ૧૦૦૦ વરસ પહેલાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર તોડી નાંખેલું ને, એટલે-’

‘લો બોલો ! મંદિર તોડેલું એવું યાદ અપાવવા માટે આવડો મોટો પ્રોગ્રામ કર્યો ?’

‘ના ! તોડવા છતાં અડીખમ ઊભું છે એ બતાડવા… મોદીજીએ કહ્યું ને, કે ગઝની અને ઔરંગઝેબ તો ગયા, પણ મંદિર હજી ઊભું છે.’

‘એમાં શું ? ટ્રમ્પ જશે પછી યે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઊભું જ હશે ને ? પથ્થરો થોડા મરી જાય ?’

‘એટલે જ પથ્થરોની પૂજા થાય છે, માણસોની નહીં…’

‘પણ હલો, વેનેઝુએલાનું થયું પછી પેટ્રોલના ભાવ ઘટવાના કે નહીં ?’

‘પથ્થરોને પૂછો !’

***

- મન્નુ શેખચલ્લી

Comments