દુઃખે છે પેટ, કૂટે છે માથું !

આજકાલ એવી એવી ઘટનાઓ બની રહી છે જેમાં આપણી આ જુની ગુજરાતી કહેવત સાચી પડી રહી છે…

*** 

શાહરૂખ ખાને બાંગ્લાદેશના મુસ્તફિઝુર નામના ક્રિકેટરને પોતાની આઈપીએલ ટીમ માટે ખરીદ્યો… તો લોકો શાહરૂખ ઉપર તૂટી પડ્યા છે !

અલ્યા ભઈ, ખેલાડીને હરાજીમાં મુક્યો કોણે ?
બીસીસીઆઈએ ! તો બીસીસીઆઈને માથે કેમ માછલાં નથી ધોતાં ?

… દુઃખે છે પેટ, ને કૂટે છે માથું !

*** 

બંગાળમાં એસઆઈઆરની કામગીરી સામે મમતા બેનરજીએ કાગારોળ મચાવી મુકી છે કે ભાજપ સરકાર અમારા મતદારોને ગુમ કરી નાંખશે !

ઓ બહેનજી ! ખુદ તમને ખબર છે કે તમારી બાંગ્લાદેશી ઘૂસણખોર મતદારોની વોટ બેન્ક આમાં કપાઈ જવાની છે. એટલે જ તમે નગારાં પીટી રહ્યાં છો !

… દુઃખે છે પેટ, ને કૂટે છે માથું !

*** 

સોશિયલ મિડીયામાં અમુક શાણા સેક્યુલરો ‘ઇક્કીસ’ નામની નવી ફિલ્મનાં વખાણ કરી રહ્યા છે !

આ સાહેબો, આનું મૂળ કારણ એ નથી કે ફિલ્મ તમને બહુ ગમી છે. (કેમકે ૯૦ ટકાએ તો જોઈ પણ નથી) પરંતુ દુઃખે છે શું ? પેલી ‘ધૂરંધર’ની કમાણી ૧૦૦૦ કરોડને પાર થઈ ગઈ છે !

… દુઃખે છે પેટ, ને કૂટે છે માથું !

*** 

વિપક્ષો, એમાંય ખાસ કરીને કોંગ્રેસ નવી મનરેગા યોજનાના વિરોધમાં પાટિયા લઈને રસ્તા પર આવી ગઈ છે ! કહે છે કે બિચારા ગાંધીજીનું નામ કેમ કાઢી નાંખ્યું ?

પણ મૂળ કારણ એ નથી ! તકલીફ એ છે કે નવા નામમાં ‘રામજી’ આવી ગયા છે !

… દુઃખે છે પેટ, ને કૂટે છે માથું !

*** 

જગતના જમાદાર ટ્રમ્પે પેલા વેનેઝુએલા નામના નાનકડા દેશ પર હૂમલા કરવા માંડ્યા છે ! બહાનું શું બતાડે છે ? કે અહીંથી ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે !

ઓ ટ્રમ્પ કાકા ! વેનેઝુએલાનાં ડ્રગ્સ તમારા અમેરિકામાં ઘૂસાડાતાં હોય તો તમારી લાંચખાઉ પોલીસને ડંડા મારો ને ?

પણ ના ! મૂળ કારણ એ છે કે જ્યારે ટ્રમ્પે આખું વિમાન ભરીને વેનેઝુએલાના ગેરકાયદે નાગરિકોને તડીપાર કર્યા હતા ત્યારે ત્યાંના પ્રમુખે ટણી બતાડીને એ વિમાન ધરાર પાછું મોકલ્યું હતું!

જોયું ? દુઃખે છે પેટ, અને…

***

- મન્નુ શેખચલ્લી

Comments