શિયાળો ગયો નથી, એટલે ચિંતનલેખ લખનારા મહાન ફિલસુફો પતંગ છોડીને હજી તડકા ઉપર લખી શકે છે ! (એમ તો છાંયડા ઉપર પણ લખી શકે છે, પરંતુ એ બધું ઉનાળામાં જ સારું લાગે.)
આવાં સુંદર ચિંતન-વાક્યોમાં પણ અમને તો ‘પ્રેક્ટિકલ સળી’ જેવા જ વિચારો સૂઝે છે ! શું કરીએ…
***
શિયાળાની સવારના તડકા માટે
જે માણસ પોતાના ઘરની
બારી ખોલી શકતો નથી…
.....
તેણે એમાં ઓઇલિંગ
કરાવવાની જરૂર છે !
સિમ્પલ.
***
સવારનો તડકો એ
ઇશ્વરે મોકલેલી ટપાલ છે
....
ઓકે. તો બપોરનો તડકો
શું છે ? ઇ-મેઈલ ?
***
તડકો તો
બારીનો શણગાર છે
.....
અચ્છા ?
તો એસી શું છે ?
બારીનો અંબોડો ?
***
જો ઉનાળાના તડકાને
બેન્કના લોકરમાં મુકીને
શિયાળામાં
વાપરી શકાતો હોત…
.....
તો વિચારો, એવી
તડકાવાળી બેન્કોના કર્મચારીઓ
કેવા બફાઈ જાય ?
***
જે માણસ વહેલો ઊઠીને
ઉગતા સૂર્યના પ્રકાશને
માણી શકતો નથી…
....
એ માણસમાં વહેલાં મોડાં
વિટામીન ‘ડી’ની
ઉણપ વર્તાય છે !
ડૉક્ટરને પૂછી જોજો.
***
જે દિવસે દરેક માણસ
બારીમાંથી આવતા તડકાને
મદિરાની માફક
પીતાં શીખી જશે…
…
,…
એ દિવસે,
લખી રાખજો બોસ,
દુનિયામાં કવિ સંમેલનો
થતાં બંધ થઈ જશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment