એક છોકરાને અચાનક ઝાડા ઉલ્ટી થઈ ગયાં. એની મમ્મી તાત્કાલિક એને મોટી હોસ્પિટલમાં લઈ ગઈ…
હોસ્પિટલમાં ચેકિંગ થયા પછી રીપોર્ટ આવ્યો :
(૧) તમારા બાબાની ચામડી કાળી પડી ગઈ છે. સ્કીન સ્પેશીયાલિસ્ટને બતાડવું પડશે.
(૨) બાબાની આંખોની આસપાસ વિચિત્ર કુંડાળા દેખાય છે. આઈ સ્પેશીયાલિસ્ટને બતાડવુ પડશે.
(૩) ગળાની ચામડી ઉપર તીક્ષ્ણ ચીજથી થયેલાં નિશાન દેખાય છે. લોહી પણ નીકળ્યું છે. બાબાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો લાગે છે. મેન્ટલ વોર્ડમાં સાઈકિયાટ્રીસ્ટને બતાડવું પડશે.
(૪) પેટમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો છે. આ પણ આત્મહત્યાના પ્રયાસનું પરિણામ હોઈ શકે.
(૫) સૌથી ગંભીર બાબત એ છે કે બાબો કંઈ બોલતો નથી. બોલવાની કોશિશ કરે તો ગળામાંથી અવાજ પણ નીકળતો નથી.
ઉપરનાં સિમ્પ્ટમ્સને ધ્યાનમાં લેતાં બાબાના ગળાનું એમઆરઆઈ, કેટ-સ્કેન, બ્લડ રીપોર્ટ, યુરિન રિપોર્ટ, હાર્ટ ચેક અપ, બ્રેઇન સ્કેન વગેરે કરાવવુ પડશે.
મમ્મી તો આ રીપોર્ટ જોઈને સખત ગભરાઈ ગયાં. ‘હાય હાય ! બાબાને શું થઈ ગયું ?’
હોસ્પિટલવાળાએ કહ્યું ‘બાબાને તરત જ એડમિટ કરી દો ! ઇમરજન્સી કેસ છે !’
મમ્મીએ પૂછ્યું ‘ખર્ચો કેટલો થશે ?’
હોસ્પિટલે એસ્ટિમેટ આપ્યો. ૫૦ હજારથી ૧ લાખ તો થશે જ. તમે ૨૦,૦૦૦ જમા કરાવી દો.
મમ્મી પાસે એટલા પૈસા તો હતા જ નહીં ! તે રીપોર્ટ લઈને પૈસાની વ્યવસ્થા કરવા માટે ઘરે જતાં હતાં ત્યાં રસ્તામાં ફેમિલી ડોક્ટર મળી ગયા.
‘શું થયું ? કેમ આમ હાંફળાં ફાંફળાં લાગો છો ?’
મમ્મીએ રીપોર્ટ બતાડ્યો. વાંચીને ડોક્ટર હસવા લાગ્યા :
‘બહેન કશું જ નથી ! આ બધાં ઉત્તરાયણનાં લક્ષણ છે… તડકાથી ચામડી કાળી પડી ગઈ છે. આખો દહાડો ગોગલ્સ પહેરી રાખવાથી આંખની આસપાસ ચકામા દેખાય છે. ઘાંટા પાડવાથી ગળુ બેસી ગયું છે. એકાદ દોરી ઘસાવાથી ચામડી ઉપર કાપો પડ્યો છે. અને ઉંધિયું, ચીકી વગેરે વધારે પડતાં ખાવાથી અપચાને લીધે ઝાડા ઉલ્ટી થઈ ગયાં છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment