ભારત-યુરોપ કરાર... ફેસબુકમાં !

ઈયુ યાને કે યુરોપિયન યુનિયન સાથે થયેલા મુક્ત વેપાર કરારને બદલે ભારત સરકાર ‘તમામ કરારોની માં’ તરીકે ઓળખાવતી હોય..

પણ આપણા ફેસબુકના ખાંટુઓમાં કંઈ જુદી જ ચર્ચા ચાલી રહીછે ! જુઓ…

*** 

‘જોયું બોસ ? ટ્રમ્પ ઘીસ ખાઈ ગયો !’

‘ઘાસ ? ટ્રમ્પ ઘાસ ખાય છે ? ક્યારથી ?’

‘અરે, ઘાસને અંગ્રેજીમાં ‘ગ્રાસ’ કહેવાય છે અને અમેરિકન બોલીમાં ‘ગ્રાસ’ એટલે ચરસ ! ગાંજો ! અફીણ !’

‘અચ્છાઆઆ… આ બધું પેલા વેનેઝુએલાના માદુરોને પકડ્યો ત્યારે મળ્યું હશે ! એ ડ્રગ્સનો ધંધો કરતો હતો ને ?’

‘અરેએએ !! ઘાસ નહીં ઘીસ… ઘીસ !’ મોદી સાહેબે ઈયુ સાથે કરાર કર્યા ને ? એની વાત કરું છું !!'

‘ઈયુ ? એ વળી કીયું પ્રાણી ?’

‘યાર, આ અભણને કોઈ સમજાવો ! ઈયું પ્રાણી નથી ! ઈયુ એટલે યુરોપિયન યુનિયન ! એનાં વડાં અહીં આવ્યાં હતાં !’

‘ઓહો ? મોદીજી અહીં બેન્ક કર્મચારીનાં યુનિયનને ભાવ પણ નથી આપતા અને પેલા યુરોપિયન યુનિયન લીડર જોડે ફોટા પડાવે છે ? પ્રસિદ્ધિનો મોહ માણસને ક્યાં લઈ જાય છે ?’

‘અરે યાઆઆર ! આ અભણને -’

‘અભણ અભણ ના કરો ! હું પણ એડ્‌મિન છું !’

‘અરે, ભારતના કાયદાની વાત છે. યુરોપના દેશો સાથે જે કરાર થયા એમાં યુરોપિયન કારો સસ્તી થઈ જવાની !’

‘શું વાત કરો છો ? આપણે નવી લેવાની જ છે.’

‘જુઓ, બીએમડબલ્યુ ૮૭ લાખને બદલે ૫૭ લાખમાં પડશે અને અઢી કરોડની ઓડી હવે દોઢ કરોડમાં આવશે !’

‘લો બોલો, મેં આ દશેરાને દિવસે જ નવી ગાડી છોડાવી ! આવી ખબર હોત તો -’

‘રહેવા દો ભઈ ! દશેરાને દહાડે તમે સ્કૂટર લીધું છે ! એ પણ લોનથી !’

‘પણ આમાં તો અંબાણી અદાણી કે સલમાન શાહરૂખ ટાઈપના લોકોની ઇજ્જત જ ના રહી ને ?’

‘શી રીતે ?’

‘કારના ભાવ જ ઘટી ગયા ! હવે તો છાપામાં ય નહીં આવે !’

‘હું તો પહેલાંથી જ કહેતો હતો ! આ મોદી સરકાર અમીરોને પણ ગરીબ બનાવી દેશે ! જોયું ને ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments