વેનેઝુએલાનાં વન-લાઈનર્સ !

વેનેઝુએલામાં ટ્રમ્પે જે રીતની ધડબડાટી બોલાવીને માત્ર ૩૦ જ મિનિટમાં ત્યાંના પ્રેસિડેન્ટ માદુરોને ‘ઉઠાવી’ લીધા એ જોઈને દુનિયા તો દંગ થઈ ગઈ છે ! પણ અમને એમાં પણ સળી સૂઝી રહી છે…

*** 

પ્રેસિડેન્ટ માદુરોના માથા ઉપર અમેરિકાએ જે ૫૦ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરેલું…

એ તો હવે ખુદ ટ્રમ્પ જ લઈ લેશે ને ?

જોયું ? કોઈ યોગ્ય વ્યક્તિને જ્યારે નોબેલ પ્રાઈઝ નથી મળતું તો એ કેવાં કેવાં ફાલતું પ્રાઈઝ ઉપર દાનત બગાડે છે !

*** 

જોવાની વાત એ છે કે ‘શાંતિ’ માટેનું જે નોબેલ પ્રાઈઝ હતું તે આ વેનેઝુએલાની જ એક મહિલાને મળ્યું હતું !

હવે એ જ મહિલાને આ ‘યુદ્ધખોર હુમલા’ પછી પોતે જ પ્રેસિડેન્ટ બની જવાની ઈચ્છા છે !

મતલબ કે મેડમને શાંતિનું પ્રાઈઝ મળ્યા પછી પણ ‘શાંતિ’ તો નથી જ !

*** 

વેનેઝુએલાના વાઇસ પ્રેસિડેન્ટ અમેરિકાને કહે છે કે ‘પ્રેસિડેન્ટ માદુરો તમારી પાસે જ છે એનો પુરાવો આપો !’

ઓ વડીલ, આ કંઈ ‘કીડનેપ’ નથી કર્યું ! માદુરોની ‘ધરપકડ’ થઈ છે !

*** 

ન્યુ યોર્ક શહેરના મેયર શ્રી મામદાનીએ આ ધરપકડનો વિરોધ કર્યો છે.

અચ્છા ? એમ તો અમારા ઔરંગઝેબપુર ગામના સરપંચે પણ વિરોધ નોંધાવ્યો છે ! કેમકે એમણે પણ બાંગ્લાદેશમાં થતી હિન્દુઓની હત્યાનો કોઈ વિરોધ નોંધાવ્યો નથી.

*** 

ટ્રમ્પ કહે છે કે ‘આખી ઘટના મેં લાઈવ જોઈ… એ કોઈ ટીવી શો જેવી લાગતી હતી.’

કહેવાય છે કે હવે નેટફ્લિક્સે આ ટીવી શોના ઓટીટી રાઈટ્સ ખરીદવા માટે ટ્રમ્પને ઓફર આપી છે !

*** 

બાકી, ભારતના વિપક્ષોને નવો જુમલો મળી ગયો છે ! હવે વિપક્ષી નેતાઓ ‘નેપાળવાળી થશે’ એવી ચેતવણી આપવાને બદલે કહેશે કે ‘વેનેઝુએલાવાળી કરાવી દઈશું ! મોદીજી, ચેતી જજો !’ 

*** 

કહે છે કે હવે ક્રુડ ઓઈલના ભંડાર સમા વેનેઝુએલાના ચાર ભાગ પાડવામાં આવશે : લિડેડ, અન-લિડેડ, હાઈ-ઓક્ટોન અને રગડો !

*** 

અચ્છા, મેઇન વાત તો સાઈડમાં જ રહી ગઈ ! આ માદુરો, જેની ‘ડ્રગ્સના કારોબાર’ માટે ધરપકડ થઈ ગઈ, એ પછી અમેરિકામાં કોઈને ડ્રગ્સ જોઈતાં હોય તો કોનો કોન્ટેક્ટ કરવાનો ?

*** 

અને જે ભારતીય નાગરિકો એચવનબી વિઝા માટે ટળવળી રહ્યા છે એ જાણવા માગે છે કે આ માદુરોને અમેરિકામાં એન્ટ્રી તો મળી ગઈ ! પણ હવે કયા ટાઈપના વિઝા મળશે ? એમાં કંઈ આપણો ચાન્સ ખરો ? અને હેલિકોપ્ટર આપણું હોય તો કેટલા ઓછા કરી આપે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments