૧૦૦ વરસથી વધુ જુના આપણા હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં આપણે ફિલ્મોનાં એવાં એવાં નામો પાડ્યાં છે કે એ નામોની બંધબેસતી પાઘડી ગમે તેને પહેરાવી શકાય છે !
પરંતુ છેલ્લા એક વરસમાં અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે કારનામાં કરીને દેખાડ્યા છે એ હિસાબે ડઝનબંધ ટાઈટલોની પાઘડી બંધબેસતી આવે છે ! જુઓ…
***
શમ્મી કપૂરની તો ઘણી બધી ફિલ્મોના નામો ટ્રમ્પને જ ફીટ થાય છે :
‘જંગલી’, ‘જાનવર’, ‘બદતમીઝ’, ‘બ્લફ માસ્ટર’ (ગપ્પોડી), ‘પગલાં કહીં કા’ (આ તો ખુદ અમેરિકાના ડોક્ટરો જાહેરમાં કહી ચૂક્યા છે.)
બસ એક નામ ફીટ નથી થતું : ‘બ્રહ્મચારી’ !
***
રાજકપૂરની ફિલ્મોના નામો પણ કંઈ કમ નથી ! જાતે જ જોઈ લો…
‘શ્રી ૪૨૦’, ‘અનાડી’, ‘છલિયા’ (છળ કપટ કરનારો), ‘મેરા નામ જોકર’ (છેલ્લા એક વરસમાં મનોરંજન કરવામાં કોઈ કમી હોય તો બોલજો.)
અને… ‘સપનોં કા સૌદાગર’ ! કેમકે ટ્રમ્પ સાહેબ ચૂંટણી પહેલાં આખા અમેરિકાને સપનાં બતાડ્યાં ‘આઈ વિલ મેક અમેરિકા ગ્રેટ અગેઈન !’
હજી પણ એમનાં મોટા સપનાં બતાડવાની સ્કીમો ચાલુ જ છે ! દાખલા તરીકે ‘ગાઝા પટ્ટીને અબજોપતિઓની ડ્રીમ સિટી બનાવી દઈશ…’ ‘૧ કરોડ ડોલર લાવો અને અમેરિકાની સિટીઝનશીપ લઈ જાવ…’ ‘બિલીયન ડોલર ભરો અને મારા બોર્ડ ઓફ પિસમાં જોડાઈ જાવ !’
***
અમિતાભ બચ્ચનની ફિલ્મોમાંથી પણ બોસે પ્રેરણા લીધી જ છે ! જુઓ…
‘ગેહરી ચાલ’, ‘નમક હરામ’, ‘દીવાર’ (દુનિયાભરના દેશોની આયાત સામે ટેરીફની દિવાલ ઊભી કરી છે.), ‘બેશરમ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ગ્રેટ ગેમ્બલર’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘ખુદ્દાર’, ‘અંધાકાનૂન (એચવન બી વિઝાના’)
‘અજુબા’ (આખી દુનિયાને નવાઈ લાગે છે ને ? અમને તો આઠમી અજાયબી લાગે છે !)
‘દો ઔર દો પાંચ’ (અમેરિકાના અર્થશાસ્ત્રીઓ પણ ગોથાં ખાઈ રહ્યા છે, ટ્રમ્પના આ ગણિત જોઈને)
… અને અમુક નામો તો ટ્રમ્પે ખુદ ધારણ જ કરી લીધાં છે ! જુઓ.. ‘મર્દ’, ‘ડોન’, ‘દેશપ્રેમી’, ‘મહાન’, ‘શહેનશાહ’ અને ‘જાદુગર’…!
...અને છેલ્લે સાવ અજાણી એક ફિલ્મ જે ટ્રમ્પ ઉપર પરફેક્ટ ફીટ થાય છે :
‘સબ કુછ જલા કર રાખ કર દૂંગા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment