આજે જ્યારે સ્કુલોની ફી ૮૫૦૦૦થી ૯૫૦૦૦ સુધી પહોંચી ગઈ છે ત્યારે આપણે જે મહિનાની ૧૫ રૂપિયા કે ૨૦ રૂપિયાની ફીમાં ભણી ગયા હતા એ નિશાળના દિવસો યાદ આવે છે…
***
બોલપેનો તો મોડે મોડે આવી, બાકી પેન્સિલ છોલવી એ પણ એક ‘કળા’ હતી ! એના માટે ખાસ છોલણિયાં આવતાં હતાં… એકને આપણે ‘સંચો’ કહેતા હતા, જેમાં વારંવાર અણી બટકી જતી હતી.
અને બીજું જે ‘છોલણિયું’ હતું તે ઘણીવાર આપણી આંગળી જ છોલી નાંખતું હતું !
***
કંપાસમાં પેલું બે અણીવાળું સાધન (અણીયું) શા કામમાં આવતું હતું તે તો અમને હજી સુધી નથી સમજાતું !
અમે તો બે જ કામમાં અણીયું વાપરતા હતા. એક, મારામારી કરવા… અને બે, બેન્ચ ઉપર હાર્ટનો આકાર બનાવીને એમાં તીર ખોતરવા માટે !
***
દરેક ક્લાસમાં પહેલો નંબર લાવનારો એક ‘બોચિયો’ અને ચાંપલો છોકરો હંમેશા પહેલી બેન્ચ ઉપર જ બેસતો ! એ મારો બેટો, દરેક સવાલના જવાબમાં સૌથી પહેલી આંગળી ઊંચી કરી દતો ! એ તો ઠીક, ક્યારકે તો હજી સવાલ પૂરો ના થયો હોય ત્યાં તો આંગળી ઊંચી કરીને ઉછળવા માંડ્યો હોય !
આવા બોચિયાથી આપણને સખ્ખત ‘જલન’ થતી હતી !
***
ચાલુ ક્લાસે ટચલી આંગળી ઊંચી કરીને બહાર લટાર મારવા જવાની લિજ્જત તો ઔર જ હતી !
ભલેને જોરથી ‘લાગી’ હોય ? તો પણ મૂતરડી બાજુ ધીમે ધીમે જ જવાનું ! અંદર એકલા સીટી વગાડીને ટાઈમપાસ કરવાનો… અને પાછા આવવાના ‘સરક્યુલર’ રૂટમાં બીજા ક્લાસમાં ડોકીયાં કરતાં કરતાં શાંતિથી ‘ભ્રમણ’ કરી લેતા હતા !
***
ફ્રી પીરિયડમાં પાઠ્યપુસ્તકો વડે ‘ક્રિકેટ’ કોણ કોણ રમતું હતું ?
એમાં જેનો દાવ હોય તેણે પાનું ખોલીને પાના નંબર જોવાનો… ૨, ૪, ૬, હોય તો ૨,૪,૬ રન ગણાય ૮ નંબર નીકળે તો ૧ રન… અને છેલ્લો આંકડો શૂન્ય આવે તો આઉટ !
***
હા, સર અંગુઠા પકડાવે તો જુલમ જેવું લાગતું હતું. બાકી ક્લાસમાં ઊભા રાખે તો તો ‘વીઆઈપી’ જેવી ફીલિંગ થતી હતી ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment