ગુજરાતી ગીતોની પાઘડી !

તમે નહીં માનો, પણ અમુક ગુજરાતી લોકગીતો અને ગરબા એવા છે કે આજે દુનિયા અને દેશની જે હાલત છે એની ઉપર બંધબેસતી પાઘડીઓની જેમ ફીટ થાય એવાં છે ! જુઓ…

*** 

હાલત :
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પછી શિંદે આડા ફાટ્યા છે. કહે છે અઢી વરસનું મેયરપદ આપો… વરનાઆઆ…

પાઘડી :
મોરલી તો ચાલી રંગ રૂસણે રે, કોણ મનાવા જાય રંગ મોરલી…’

*** 

હાલત :
ટ્રમ્પે વેનેઝુએલાના પ્રેસિડેન્ટ અને એની પત્નીનું ખાલી કિડનેપ કર્યું એમાં તો આખું વેનેઝુએલા લઈ લેવું છે ! એટલું જ નહીં, આખેઆખું ગ્રીનલેન્ડ એમને બાપનો માલ લાગે છે…

પાઘડી :
‘આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો…’

*** 

હાલત :
માત્ર વેનેઝુએલા કે ગ્રીનલેન્ડ જ નહીં ટ્રમ્પ અને એના એલોન મસ્ક જેવા મલ્ટિમિલિયોનેર સાથીઓને હવે દુનિયામાંથી બધું જ લૂંટી લેવું છે !

પાઘડી :
અમે કાકા બાપાના પોરિયા રે, અમે ટિમલી રમીએ રે…’

*** 

હાલત :
પેલા વેનેઝુએલાનાં નોબેલ પ્રાઈઝ વિજેતા મારિયા મચાડોને પોતાને પ્રેસિડેન્ટ બનવાની ચૂલ ઉપડી છે એટલે એમણે પોતાનું નોબેલ પ્રાઈઝ ટ્રમ્પને આપી દીધું !

પાઘડી :
મેંદી લેશું મેંદી લેશું મેંદી મોટાં ઝાડ… એક ડાળખું હલાવું ત્યાં તો ડાળખા હલે ચાર !’

*** 

હાલત :
ગ્રીનલેન્ડના મામલે વાંકુ પડતાં ટ્રમ્પે યુરોપના દેશો ઉપર ૨૫ ટકા ટેરિફની ધમકી ઠોકી દીધી છે !

પાઘડી :
‘તમને પારકા માનું કે માનું પોતાના ?’

*** 

હાલત :
ભારતના બન્ને પાડોશી દેશોમાં ભારતવિરોધી કાવતરાં ઘડાઈ રહ્યાં છે… ટેરિફના મારથી વેપારખાધ વધી ગઈ છે… ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે… છતાં મોદી સરકાર આંકડાના રૂપાળા સાથિયા પુરીને છાતી ફૂલાવતી ફરે છે.

પાઘડી :
સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો, દાણા એટલા દાણા ને પાણા એટલા પાણા, સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો…’

***

- મન્નુ શેખચલ્લી

Comments