ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી આ અલેલટપ્પુ ગપ્પમ્-ગપ્પુ ફેક-ન્યુઝ ચેનલમાં !
એક જબરદસ્ત ખબર આવી રહી છે મુંબઈથી… જ્યાં મહાનગરપાલિકાની ચૂંટણી પછી મહા-યુતિમાં મહા-ડખો ઊભો થયો છે.
નગરસેવકોએ શિંદેની શિવસેનાના ૨૯ આવનારાં પાંચ વરસ માટે નગરની ‘સેવા’ કરવા માટે એક મહાન સંકલ્પ લીધો છે !
ના ના, સંકલ્પ એ નથી કે અઢી વરસ માટે શિંદે-સેનાના મેયર હોવા જોઈએ… સંકલ્પ એ પણ નથી કે કોર્પોરેશનનાં કુલ બજેટમાંથી કેટલા ટકાની ફાળવણી એમનાં ખિસ્સામાં જવી જોઈએ…
સંકલ્પ એ છે કે આ ફાઈવ સ્ટાર હોટલમાં રહ્યા પછી એમને અહીંનું વાતાવરણ એટલું બધું પસંદ પડી ગયું છે કે તમામ નગરસેવકોને હવે એક-એક ફાઈવ સ્ટાર હોટલની માલિકી જોઈએ છે !
આ નગરસેવકોનું માનવું છે કે હવે અહીં પણ ‘ગુજરાત મોડલ’ ફોલો થવું જોઈએ ! જે રીતે ગુજરાતમાં ‘ઓન પેપર’ પ્રોજેક્ટો બની રહ્યા છે એ જ રીતે અમને ફાઈવ-સ્ટાર હોટલોની માલિકી ‘ઓન-પેપર’ કરી આપવામાં વાંધો શું છે ?
જોકે મહારાષ્ટ્રનું ભાજપ આ માગણીથી ચોંકી ગયું છે ! કેમકે અહીં તો ‘ઓન-પેપર’ માલિકીમાં ખરેખર સાચુકલી ફાઈવ સ્ટાર હોટલો આપી દેવી પડે તેમ છે !
અમારા બે-ખબરપત્રી જણાવે છે કે આ સ્થિતિ ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ જેવી જ છે…
***
વધુ એક સનસનીખેજ ખબર આવી રહ્યા છે પાકિસ્તાનના ઇસ્લામાબાદ શહેરથી…
અમારું ગુપ્ત નેટવર્ક નામ ન આપવાની શરતે જણાવે છે કે જે રીતે વેનેઝુએલાનાં મહિલા મારિઆ મચાડોએ પોતાનું નોબેલ પ્રાઈઝ ટ્રમ્પને આપી દીધું છે એ જોઈને પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરની દાઢ સળકી છે !
ગુપ્ત સ્રોતો જણાવે છે કે મુનીરે બાંગ્લાદેશના નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસને એક ગુપ્ત પત્ર પાઠવીને પેલું નોબેલ પ્રાઈઝ પોતાને આપી દેવાની માગણી કરી છે !
જવાબમાં મોહમ્મદ યુનુસે કહ્યું છે કે જો પાકિસ્તાન બાંગ્લાદેશને ૧૦૦ લડાકુ વિમાનો, ૫૦૦ ટેન્કો અને ૧૦,૦૦૦ પાકિસ્તાની સૈનિકો આપવા માટે તૈયાર હોય તો જ આ ‘શાંતિ’ માટેનું નોબેલ પ્રાઈઝ આપવા વિશે વિચારી શકાય !
વધુ મનોરંજક ફેક-ન્યુઝ માટે માત્ર અમારી ચેનલ નહીં, તમારો મોબાઈલ પણ જોતા રહો… ધન્યવાદ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment