ગલી ક્રિકેટની સુરતી કોમેન્ટ્રી !

સુરતમાં ‘આઈએસપીએલ’ ટુર્નામેન્ટ માટે પધારેલા બચ્ચન સાહેબ ભીડમાં કચડાતાં બચી ગયા ! પણ આ ‘આઈએસપીએલ’ છે શું ?

તો એ ‘ઇન્ડિયન-સ્ટ્રીટ-ક્રિકેટ પ્રિમિયર લીગ’ છે. જેમાં ૧૦-૧૦ ઓવરની મેચો ટેનિસ બોલથી રમાય છે.

હવે જો આ ટુર્નામેન્ટ સુરતમાં જ છે, તો સાહેબો, એની કોમેન્ટ્રી ‘સુરતી’માં હોવી જોઈએ ને ? સાંભળો….

*** 

પે’લ્લી વાત તો એ કે હહરીનું આ ‘ગલી ક્રિકેટ’ છે એમ હમજીને મેં અંઈ આવેલો ! પણ આ તો હહરીનાઓ મોટા મેડાનમાં જ રમતા છે !

*** 

ચાલો, કંઈ નીં… પણ આ બધી ટીમનાં માલિક મોટા મોટા ફિલ્મ સ્ટારને કેમ બનાવી લાખેલા છે ? આ બચ્ચન, અક્સયકુમર, સેફ અલી, અજય ડેવગન ને પેલો સાઉથનો સૂર્યા… એ લોકોએ પ્લેયરોને હું ભાવે ખરીડેલા ઓહે ?

કેમકે બોલ તો બિલકુલ સસ્તો ! ઉપરથી હેલમેટ ને પેડનો તો ખરચો જ નીં મલે !

*** 

આ ટેનિસ બોલમાં એલબીડબલ્યુની બો’ મોટી જફા ! એમાં બન્ને ટીમ વચ્ચે ‘ઘચકડી’ (ઝગડો) થાય, થાય, ને થાય જ ! એનાં કરતાં, એની માંયને, એલબીડબ્લ્યુનો રૂલ જ કા’ડી લાખોની ? એનાં બદલે સ્ટંપલાં ચાર રાખવાનાં ! હું કે’ય ?

*** 

અને ‘ગલી’ ક્રિકેટની જેમ જ રમવાના ઓય તો ચાલુ મેચમાં મારામારી ને ગાળાગાળીની બી છૂટ આપવા જોવે !

હુરટનું ઓડિયન્સ તો કઈ ટીમની ગાળો ઊંચા માંયલી છે તેનો ‘ઓડિયન્સ પોલ’ કરીને ઇનામ હો આપવા તૈયાર !

*** 
આપડા ઇન્ડિયાવારાએ ‘ટેનિસ’ની હું દશા કરેલી છે તે બતલાવવા હારુ ફોરેનથી શારાપાવા ને ફેડરર જેવા પ્લેયરોને બી બોલાવોનીં ? પછી છો ને એવણને આ બધું જોઈને હાર્ટ-એટેક આવી જતો ?

*** 

છેલ્લે એક જ સજેસન… આપણા ટેનિસબોલ વારાં નાઇટ ક્રિકેટમાં જેમ ગ્રાઉન્ડની સાઈડમાં સ્કોર ઉપર જુગારનાં ટેબલ રાખતાં છે, તેવાં ટેબલને ‘લિગલ’ કરી લાખો ! પછી જુઓ, એની બેનને…. કમાણી જ કમાણી થતી છે કે નીં !

***

- મન્નુ શેખચલ્લી

Comments