એક ઘેટું હતું. તે જરા દોઢ ડાહ્યું હતું. તેણે બે ચાર જાડી ચોપડીઓ વાંચી હતી એટલે તે માનતું હતું કે તે બહુ બુદ્ધિશાળી છે.
એકવાર તે જંગલમાં એક ઝરણા પાસે પાણી પીવા ગયું. ત્યાં એક રીંછ પાણી પીતું ઊભું હતું.
તાજુમાજું અને જાડીયું ઘેટું જોઈને રીંછના મોંમાં પાણી આવી ગયું. તેણે ઝરણાનું પાણી પડતું મુકીને ઘેટાને કહ્યું :
‘એય ! તું મારી પાણી કેમ એંઠું કરી રહ્યું છે ?’
દોઢ ડાહ્યું ઘેટું ત્યાંથી ફટાફટ ભાગી જવાને બદલે બોલ્યું :
‘મિસ્ટર રીંછ ! હજી મેં પાણી એંઠું કર્યું જ નથી ! અને બાય ધ વે, પાણીનો પ્રવાહ તમારી તરફથી મારી બાજુ આવીરહ્યો છે. એ હિસાબે એંઠું પાણી મારે પીવાનું થશે !’
રીંછની કમાન છટકી. ‘એય ! તું મારી જોડે ઊંચા અવાજે વાત કરે છે ?’
દોઢ ડાહ્યું ઘેટું વધારે શાણપટ્ટી સાથે બોલ્યું : ‘શ્રીમાન રીંછ ! કાં તો તમારા કાનમાં કોઈ ખરાબી છે અથવા તો તમને મોટા અને નાના અવાજના તફાવતની કોઈ સમજણ જ લાગતી નથી ! કેમકે હજી પણ હું શાંત અવાજે જ વાત કરી રહ્યું છું.’
રીંછે હવે દાંત કચકચાવ્યા : ‘અબે ટુણિયાટ ! તેં મને ગાળ દીધી ? હું તને ચીરી નાંખીશ !’
દોઢ ડાહ્યું ઘેટું આ ‘લાઇવ એન્ડ પ્રેઝન્ટ ડેન્જર’ને પારખીને જીવ બચાવવાને બદલે પોતાનું ઊંડું માહિતીજ્ઞાન પ્રદર્શિત કરતાં બોલ્યું : ‘માનનીય રીંછજી ! આપને ભ્રમ થયો લાગે છે. મેં કોઈ અપશબ્દોનું ઉચ્ચારણ કર્યું જ નથી.’
બસ, આ સાંભળીને રીંછની ટોટલી હટી ગઈ ! તેણે કહ્યું ‘હલકટ તેં નહીં દીધી હોય તો તારા બાપે મને ગાળ દીધી હશે ! હવે હું તને નહીં છોડું !’
એમ કહેતાંની સાથે જ રીંછ પેલા દોઢ ડાહ્યા ઘેટા ઉપર ત્રાટક્યું અને ખાઈ ગયું !
***
ઉપરની કથામાંથી કોઈ બોધ લેવાનો નથી !
કેમકે અમારા સૌરાષ્ટ્રમાં એક માથાભારે માણસે એક ભોળા સજ્જનનને ભરબજારમાં ઝૂડી નાંખ્યો… ત્યારે સજ્જને પૂછ્યું કે ‘મારો શું વાંક હતો ?’
તો માથાભારે માણસે જે જવાબ આપ્યો એ જ આખી દુનિયાના પોલિટીક્સનો નિષ્કર્ષ છે ! તેણે કહ્યું ‘તું વાંકમાં આવે નહીં ત્યાં લગી મારે બેસી રહેવાનું ?’
બસ, આ જ વાત મારુદોથી મોદી લગીના નેતાઓ સમજતા નથી…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment