'પઠાન' અને 'ટાઈગર'ની પ્રિક્વલ હતી 'આંખેં' !

તમે નહીં માનો, પણ બોલીવૂડમાં જે ‘સ્પાય યુનિવર્સ’ છે ને, એનો ‘પ્રિ-ડેટર’ ‘આંખે’ ફિલ્મનો હીરો હતો !

હવે પૂછશો કે ‘પ્રિ-ડેટર’ એટલે શું ? તો સાહેબો, આજની ‘જેન-ઝિ’ પહેલાંની જનરેશનને ‘મિલેનિયમ’ કહે છે ને ? અથવા એમ કહો કે આજના સ્માર્ટફોન પહેલાં જે નોકિયાના ચાંપોવાળા મોબાઈલ આવતા હતા ને? એવું !

કેમકે ‘આંખે’નો હિરો ધર્મેન્દ્ર આપણા બોલીવૂડના સ્પાય યુનિવર્સના જાસૂસની જેમ જ, છે તો ભારતનો જાસૂસ, પરંતુ કૂંગ-ફૂ કરાટે શીખવાને બહાને જાપાન જાય છે ! અને ત્યાં એકપણ કરાટે ક્લાસ એટેન્ડ કર્યા વિના પેલી માલાસિંહા જોડે રોમાન્સ કરીને એક મસ્ત ગાયનના બહાને જાપાનના સીન-સીનેરી જોઈને ઇન્ડિયા પાછો આવતો રહે છે !

*** 

એ જ રીતે ભારતની ટ્રેનો બોમ્બથી ઉડાવી દેવાતી હોય, બોર્ડરો ઉપરથી વિદેશી શસ્ત્રો ઘૂસાડવામાં આવતાં હોય, દેશમાં કોમી રમખાણો ભડકાવવા માટે કાવતરાં થતાં હોય તો એની તપાસ માટે…

આ હીરો પડોશના દેશમાં નહીં, પણ ડાયરેક્ટ બૈરૂત જતો રહે છે ! (આ બૈરૂત એટલે આજના ઇસ્લામિક દેશ લેબેનોનનું કેપિટલ સિટી) હવે બૈરૂત જઈને આ ભાઈ શું કરે છે ? અરે, પેલી માલાસિંહા ત્યાં જ છે ને ! એની સાથે રોમાન્સ કરે છે ! 

વધુ બે ગાયનોઃ સાથે સાથે કાર-ચેઝ પણ કરે છે, બોટ-ચેઝ પણ કરે છે, વેશપલટો કરીને ‘દુશ્મનો કે ઠીકાને’માં ઘૂસીને બોમ્બથી ઉડાવી પણ દે છે અને મહેમૂદની સાથે મળીને કોમેડી પણ કરી લે છે !

જોયું ? બિલકુલ સ્પાય યુનિવર્સ જેવું જ છે ને ?

*** 

ફિલ્મ જોતાં જોતાં અમને થતું હતું કે યાર, રામાનંદ સાગરે બહુ મોટી ભૂલ કરી નાંખી છે ! કેમકે માલાસિંહા તો ભારતીય જાસૂસ છે ! એની જોડે તો પ્રેમમાં પડાતું હશે ? પણ ત્યાં જ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ આવે છે… જ્યાં ધર્મેન્દ્ર ‘દુશ્મન’ દેશની ખુબસુરત જાસૂસણના પ્રેમમાં પડે છે ! બોલો.

હવે તો માનશો ને કે ‘આંખે’ તો મોસ્ટ ઓથેન્ટિક રીતે સ્પાય યુનિવર્સની સૌથી પહેલી ‘પ્રિકવલ’ છે ?

*** 

‘આંખે’ માત્ર બોલીવૂડના સ્પાય યુનિવર્સની પ્રિક્વલ નથી, બલ્કે ટોમ ક્રુઝની ‘મિશન ઇમ્પોસિબલ’ સિરીઝની પણ ‘માં’ છે ! શી રીતે ?

તો સાંભળો, ફિલ્મમાં બબ્બે સુજીતકુમાર છે ! એ ડબલ રોલ શી રીતે ભજવે છે ? અરે, ‘મિશન ઇમ્પોસિબલ’ની જેમ જ ! ચહેરા ઉપર રબ્બરનું માસ્ક પહેરીને ! એક અસલી ભારતીય જાસૂસ છે અને બીજો તેની જગ્યાએ ઘૂસી ગયેલો દુશ્મન જાસૂસ છે !

સાલું, બે ઘડી તો એમ થાય કે રામાનંદ સાગરે ‘મિશન ઇમ્પોસિબલ’ ઉપર આઇડીયા ચોરવાનો કેસ ઠોકી દેવા જેવો હતો ! પણ પછી વિચાર આવ્યો કે ભલું પૂછવું, રામાનંદ સાગરે જ આ માસ્કવાળો આઇડીયા કોઈ હોલીવૂડની મુવીમાંથી તફડાવ્યો હશે !

ઉપરથી પોતાની જ પીઠ થાબડતો હોય એવો ડાયલોગ મુક્યો છે : ‘વાહ, ક્યા પરફેક્ટ માસ્ક બનાયા હૈ ! ઇતના પરફેક્ટ, કે નકલી ભી અસલી દિખાઈ દેતા થા !’

અલ્યા, સુજીતકુમારના ચહેરાની બાજુમાં જે ચીજ લબડતી બતાડી છે તે ફૂટી ગયેલા રબ્બડના ફૂગ્ગા કરતાંય વિચિત્ર દેખાય છે !

*** 

એમ તો લલિતા પવારને વિલન જીવણની આસિસ્ટન્ટ તરીકે જોઈને અમે ચોંકી ગયેલા ! ‘અરે ? લલિતાજીની આ શું હાલત કરી છે ? આવાં ભડકીલાં રંગનાં વન-પિસ સ્કર્ટ ? આવાં ટાઇઠ ફિટીંગ પેન્ટ-શર્ટ ? ઉપરથી ‘યસ બોસ’ સિવાય કોઈ ડાયલોગ પણ નહીં ?’

પણ થોભો, સ્ટોરીમાં આગળ ટ્વીસ્ટ આવે છે ત્યારે ખબર પડે છે કે લલિતા પવારને એમના અસલી કચકચિયણ સાસુજી ટાઈપની વેશભૂષા કરાવીને ભારતીય એજન્ટના ઘરમાં ‘જાસૂસી’ કરવા માટે ઘૂસાડવાનાં હતાં !

*** 

ફિલ્મમાં જેને ‘આખું કોળું શાકમાં ગયું’ જેવો એક મોટો લોચો છે ! આ તો જુની ફિલ્મોના રસિયાઓને છેક આજ સુધી નહીં દેખાયો હોય ! શું છે એ લોચો ?

વાત એમ છે કે, ધર્મેન્દ્ર અને માલાસિંહાના પિતાજીઓ એક જમાનામાં સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિન્દ ફૌજ’ના શૂરવીર અફસરો હોય છે. એમણે ‘આઝાદ હિન્દ ફૌઝ’ના અન્ય લોકો સાથે મળીને એક ગ્રુપ બનાવ્યું છે, જે પોતાની રીતે જાસૂસી કરીને દેશના દુશ્મનો સામે લડવા માગે છે વગેરે પરંતુ બોસ, આખી ફિલ્મમાં ક્યાંય, સમ ખાવા પૂરતો પણ, સુભાષચંદ્ર બોઝનો ફોટો દેખાતો નથી ! બોલો.

*** 

છતાં, પાકિસ્તાનના ભિખારીઓને સખ્ખત જેલસી થઈ આવે અને એમનો જીવ બળી જાય એવું પણ ‘આંખે’માં બતાડ્યું છે !

મામલો એવો છે કે દુશ્મનોના હાથમાં ઝડપાઈ ગયેલા ધર્મેન્દ્રને શોધવા માટે મહેમૂદ, માલાસિંહા અને ધૂમ્મલ ‘ભિખારીઓ’ બનીને બૈરૂત, લેબનોન, ગ્રીસ અને ઇવન જાપાનમાં જ્યાં જ્યાં જાય છે (તુજ કો રખ્ખે રામ તુજ કો અલ્લા રખ્ખે ગાતાં ગાતાં) ત્યાં દરેક દરેક ઠેકાણે ૨૦૦-૫૦૦થી વધારે લોકો આ ઇન્ડિયન ભિખારીઓને જોવા સાંભળવા માટે ભેગા થાય છે ! બોલો, વટ છે ને ?

બાકી પાકિસ્તાની ભિખારીઓને તો આજે કેટકેટલા દેશોમાંથી તગેડી મૂકવામાં આવે છે, તમે જાણો છો ને !

*** 

‘આંખે’ની એક હિસ્ટોરીકલ વેલ્યુ પણ એ રીતે છે કે તેનું શૂટિંગ બૈરૂત શહેરમાં ૧૯૬૭-૬૮માં થયું હતું. તે વખતે ત્યાં ‘કોમી એખલાસ’ હતો. ત્યારબાદ ત્યાંની ‘કોમી હાલત’માં ખતરનાક ફેરફારો થવાને કારણે ૧૯૭૫માં લેબનોનમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે લોહિયાળ સિવિલ વૉર ફાટી નીકળી હતી. ‘આંખે’માં એ પહેલાનું સુંદર બૈરૂત શહેર જોવા મળે છે.

***


ફિલ્મની જાણી અજાણી વાતો...

* ‘આંખે’ ૧૯૬૮ની સૌથી વધુ કમાણી કરનારી હિટ ફિલ્મ હતી.

* ફિલ્મમાં દારાસિંહનો પુત્ર પ્રદ્યુમનસિંહ એક નેગેટિવ (દેશદ્રોહીના) રોલમાં દેખાય છે.

* ‘સજ્જન’ નામ ધરાવતા કલાકારને આ ફિલ્મસહિત લગભગ ૧૦૦ ફિલ્મોમાં ‘દુર્જન’ના જ રોલ મળ્યા છે ! જોકે એ પહેલાં સજ્જને લગભગ પંદર-વીસ ફિલ્મોમાં હીરો અથવા સાઈડ હીરોના રોલ કર્યા હતા.

* ડેઈઝી ઇરાની, જે જાવેદ અખ્તરની સાળી થાય, તેણે અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે વાહવાહ લીધી હતી પરંતુ ‘આંખે’માં તેને ‘લીલી’ નામનો સાવ મામુલી ગ્લેમરસ રોલ મળ્યો છે.

* ધર્મેન્દ્રની બહેન બનેલી કુમકુમ, જેને રામાનંદ સાગર સાથે ‘કંઈક’ હોવાનું ચર્ચાતું હતું. તે ‘આંખે’ પછીની ફિલ્મોમાં ખાસ્સી પાતળી દેખાતી હતી.

* ‘આંખે’નું ઘણું શૂટિંગ જાપાન, બૈરૂત, ઇઝરાયેલ અને ગ્રીસમાં થયું હતું.

* રામાનંદ સાગરની ‘ચરસ’ (૧૯૭૬) એક રીતે ‘આંખે’ની સિકવલ જ હતી !

***

- મન્નુ શેખચલ્લી 

Comments