૨૦૨૫નાં સબ સે બડા... (ફાઈવ)

ભલભલી બોલીવૂડ ફિલ્મોની સિકવલ કરતાં આપણી આ સિકવલ આંકડાની દૃષ્ટિએ આગળ નીકળી ગઈ છે ! આજે વારો કાઢ્યો એક આંતરરાષ્ટ્રિય હસ્તીનો… 

*** 

સબ સે બડા ‘સનકી’…
નવેમ્બર ૨૦૨૪માં જ્યારે ટ્રમ્પ નામનો એક માણસ અમેરિકાની ચૂંટણી જીતી ગયો ત્યારે કોઈને સપને ય આઈડિયા નહોતો કે આવડા મોટા દેશનો પ્રેસિડેન્ટ આટલો ‘ચસકેલ’ હશે ! રોજ સવાર પડે ને એ ભાઈને કંઈક નવું જ ભૂત વળગે છે ! 

(હજી તો બીજાં ત્રણ વરસ સુધી એને સહન કરવાનો છે, ભૈશાબ…)

*** 

સબ સે બડા ‘પ્લાન’
એ જ સનકી માણસે ૨૦૨૫નો સૌથી મોટો પ્લાન એનાઉન્સ કર્યો છે… કે ઇઝરાયેલના સતત બોમ્બમારાથી સાવ કાટમાળ બની ગયેલી ગાઝા પટ્ટીમાં હવે એક ભવ્ય ટુરિસ્ટ રિસોર્ટ બનશે ! હદ તો ત્યાં છે કે એ ભાઈએ એનું થ્રી-ડી મોડલ બનાવીને રીલ્સ પણ બહાર પાડ્યાં છે !

*** 

સબ સે બડા ‘ઇન્સલ્ટ’…
એ જ સનકી પ્રેસિડેન્ટે યુક્રેનના પ્રેસિડેન્ટને પોતાની ઓફિસમાં બોલાવીને, ડઝનબંધ કેમેરાની સામે, લાઈવ ટેલિકાસ્ટમાં, કોઈ ઘમંડી બિલિયોનેરની અદામાં કહ્યું ‘મને મળવા આવો છો ત્યારે તમને સૂટ પહેરીને આવવાની યે મેનર્સ નથી ?’

*** 

સબ સે બડા ‘ઇન્સલ્ટ કા બદલા’…
બિચારા ઝેલેન્સ્કી વળી શું અપમાનનો બદલો લેવાના હતા ? આ તો ટ્રમ્પનો જ હક્ક છે ને ! અગાઉ જ્યારે ટ્રમ્પે વેનેઝુએલાના ગેરકાયદેસર ઘૂસણખોરોને વિમાનમાં બેસાડીને વેનેઝુએલા મોકલ્યું હતું ત્યારે ત્યાંના પ્રેસિડેન્ટે ટણીમાં આવીને કહ્યું હતું, ‘હું વિમાન પાછું મોકલું છું !’

બસ, એ ઇન્સલ્ટનો આજે બદલો લેવાઈ રહ્યો છે ! અડધો ડઝન યુદ્ધ જહાજો, દારૂગોળા અને વિમાનો સાથે વેનેઝુએલા ઉપર હૂમલો થયો છે !

*** 

સબ સે બડા ‘ડિસ્કાઉન્ટ’
એક સમયે ચીનને દબડાવવા માટે ટ્રમ્પે ચીની માલ ઉપર ૧૩૪ ટકા ટેરીફ નાખી હતી ! આજે અમાં ૯૯ ટકા ડિસ્કાઉન્ટ સાથે વેપાર ૩૪ ટકા ઉપર ચાલી રહ્યો છે !

***

હવે જો ટાઈમ મેગેઝિનનો ‘પરસન ઓફ ધ યર’ ટ્રમ્પ જાહેર ના થાય તો ?

- એ સબ સે બડા ‘અંધાપા’ ગણાશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments