૨૦૨૫નું આખું વરસ તો ખાનાખરાબી અને ધમાચકડીમાં જ પસાર થયું હતું. પરંતુ કેવી મજા પડે ૨૦૨૬માં… જો દુનિયામાં આવું કંઈક બને તો ?...
***
ટ્રમ્પના ઉધામા, લોહીઉકાળા અને ફાંકા ભલે ચાલુ રહે પણ કેવી મજા પડે ૨૦૨૬માં…
જો ટ્રમ્પના ગળાની સ્વરપેટીમાં કોઈ ભેદી બિમારી આવી જવાથી એમનો અવાજ સાવ છોકરી જેવો થઈ જાય !
***
ભાજપના રાજમાં બંધાયેલા પુલો ભલે તૂટતા રહે પણ કેવી મજા પડે ૨૦૨૬માં…
જો એકાદ પુલ તૂટી પડવાને લીધે એની નીચે ભાજપના જ પાંચેક નેતા સહિત દસ-બાર ભ્રષ્ટ અધિકારીઓ પણ કચડાઈ જાય !
અને ના… એ લોકો મરી ના જાય ! ઉલ્ટું, એ બધા હોસ્ટિપલોમાં ચીસો પાડતા અને કણસતા પડ્યા હોય ત્યારે ટીવીવાળા આવીને પૂછે : ‘કૈસા લગતા હૈ ?’
***
ભલે દિલ્હીનું વાયુ પ્રદૂષણ ઘટે નહીં, બલ્કે બમણું થઈ જાય, છતાં કેવી મજા પડે ૨૦૨૬માં..
જો ધૂમ્મસને કારણે ચોરી કરવા નીકળેલી ગેંગ રસ્તો ભૂલી જાય અને ચોરેલો માલ લઈને પોતાના ઘરે જવાને બદલે જસ્ટિસ વર્માના બંગલે સંતાડીને શાંતિથી ઊંઘી ગયા હોય !
એટલું જ નહીં, જ્યારે ઝડપાઈ જાય ત્યારે ચોરો જસ્ટિસ વર્માને વિનંતી કે ‘સાહેબ અમારી ટ્રાન્સફર કરાવીને મામલો રફેદફે કરાવોને, પ્લીઝ !’
***
રખડતાં કૂતરાંઓનો ત્રાસ તો ૨૦૨૬માં ઘટવાનો જ નથી, અને કૂતરાંઓને બહાને પબ્લિસીટી લેવા આવનારી સેલિબ્રિટીઓ પણ ઘટવાની નથી. પણ કેવી મજા આવે ૨૦૨૬માં…
જો કૂતરાંઓનો કેસ લડનારા કપિલ સિબ્બલને જ એકાદ કૂતરું કરડી જાય !
અને કપિલ સિબ્બલ એ કૂતરા ઉપર ‘માનહાનિ’નો કેસ કરે…! અને એ કેસની તારીખો દસ દસ વરસ લગી પડતી જ રહે ! બોલો.
***
અને કેવી મજા આવે ૨૦૨૬માં…
જો પ્રિયંકાજીના સુપુત્રના લગ્નમાં મોદીજી પધારે ! અને રાહુલબાબા જોડે વરઘોડામાં ‘વાહ વાહ રામજી… જોડી ક્યા બનાઈ…’ ગાયન ઉપર નાચતાં નાચતાં વિડીયો બનાવે !
આ વાયરલ વિડીયો તો વર્લ્ડ રેકોર્ડ તોડે ને ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment