૨૦૨૫નાં સબ સે બડા... (થ્રી)

ગુજરાતીઓના એંગલથી જુઓ તો ૨૦૨૫ના ‘સબ સે બડા પેગ’ મારવાના દિવસને માંડ ૨૪ કલાક જ રહ્યા છે ! પરંતુ ૨૦૨૫નું વરસ વિદાય લે તે પહેલા યાદ કરી લીએ અમુક અનોખી ઘટનાઓ…

*** 

સબ સે બડા ‘આત્મનિર્ભર’ પ્રોજેક્ટ :
અત્યાર સુધી આપણે એમ જ માનતા રહ્યા કે આતંકવાદ તો આપણા પાડોશી દેશમાં જ મેન્યુફેકચર થાય છે. અને તે સરહદ પારથી અહીં ઘૂસાડવામાં આવે છે. 

પરંતુ લાલ કિલ્લા પાસે એક બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે ખબર પડી કે ભારતની અલ-ફલાહ નામની યુનિવર્સિટીમાં આ બાબતે અમુક ડોક્ટરો ઓલરેડી આત્મનિર્ભર બની ચૂક્યા હતા !

*** 

સબ સે બડા ‘ઘરવાપસી’ અભિયાન :
કમનસીબે આની ક્રેડિટ ડોનાલ્ડ ટ્રમ્પ લઈ જાય છે ! બાકી, જ્યારથી દેશમાં ‘ઘરવાપસી’ નામનો જુમલો ચાલુ થયો છે એ પછીનું આ સૌથી વર્લ્ડ-ફેમસ અભિયાન હતું ! 

જેમાં વારાફરતી બે ફ્લાઈટમાં આપણા દેશવાસીઓને હાથમાં અને પગમાં ચળકતાં ઘરેણાં પહેરાવીને, મિડીયાનાં ‘વાજતે-ગાજતે વાજિંત્રો’ સાથે સ્વદેશમાં આકાશમાર્ગ વડે ‘પધરાવવામાં’ આવ્યાં ! ભારત ભૂમિ મહાન હૈ…

*** 

સબ સે બડા સત્યવચન :
જે ફિલ્મી હસ્તિઓ, ક્રિકેટની સેલિબ્રિટીઓ અને જાણીતી વ્યક્તિઓ હરખભેર રાજકારણમાં જોડાય છે, રાજ્યસભા કે લોકસભામાં જઈને બગાસાં ખાય છે, છતાં જે સત્ય જાહેરમાં ઉચ્ચારી શકતા નથી... 

તે સત્ય વચન માનનીય કંગના રાણાવત બિન્દાસપણ બોલી ગયાં કે ‘મને તો લોકોને મળવાનો કંટાળો આવે છે ! પોલિટીક્સ ઇઝ વેરી બોરિંગ…’

*** 

સબ સે બડા નામ-વિસર્જન :
ભાજપના યોગીજીએ ભલભલાં શહેરોનાં નામો ભલે બદલી નાંખ્યા હોય, પરંતુ જે ગાંધી પરિવારના નામે દેશમાં ૨૫૦થી વધુ સંસ્થાઓ, યોજનાઓ કે સ્થળોનાં નામકરણ થયાં છે...

એ પરિવારને સૌથી વધુ તકલીફ ‘ગાંધી’ નહીં પણ ‘ગાંધી-જી’નું નામ દૂર થઈ ગયું એમાં થઈ ગઈ ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments