એક નાનકડા ગામમાં એક માણસે એવું વ્રત લીધું હતું કે જ્યાં સુધી તે કોઈ અતિથિને જમાડે નહીં ત્યાં સુધી તે પોતે ભોજન લેશે નહીં.
ધીમે ધીમે આ વાત આસપાસનાં ગામોમાં ફેલાઈ ગઈ. આથી કોઈને કોઈ અતિથિ જમવાના સમયે આ સજ્જનના ઘરે પહોંચી જતા.
પરંતુ નજીકના ગામમાં નવો રોડ બનવાથી હવે આ તરફ કોઈ આવતું જતું નહોતું. આમાં ને આમાં પેલો સજ્જન ભૂખો રહેવા લાગ્યો.
એક વાર તો સળંગ સાત દિવસ સુધી કોઈ અતિથિ એના ઘર તરફ ફરક્યા જ નહીં ! બિચારો સજ્જન ભૂખનો માર્યો બિમાર પડી ગયો હતો.
આઠમા દિવસે તો તેને લાગ્યું કે આજે તો મારા પ્રાણ જતા જ રહેશે ! તેણે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા માંડી.
બરોબર સુરજ માથા પર ચડી ગયો હતો. ધોમધખતો તડકો પડી રહ્યો હતો. એવામાં એક માણસ ત્યાં આવી ચડ્યો.
સજ્જનને લાગ્યું કે આ તો સાક્ષાત્ ભગવાન પધાર્યા છે ! તેણે અતિથીને ખૂબ પ્રેમથી જમાડ્યા. પછી પોતાની તકલીફનું વર્ણન કરતાં બે હાથ જોડીને કહ્યું : ‘હે પ્રભુ ! આનો કોઈ ઉપાય બતાવો ને ?’
પેલા માણસે કહ્યું ‘તમે એક કામ કરો. આ ગામમાં તમારી જે જમીન-મિલકત છે તે વેચીને પેલા નવા રોડને અડીને કોઈ જમીન ખરીદી લો. પછી ત્યાં એક બાજુ મંદિર બનાવો અને બીજી બાજુ સદાવ્રત ચાલુ કરો… સદાવ્રતના કારણે રોજ અતિથિઓ આવતા જ રહેશે.’
‘પરંતુ પ્રભુ !’ સજ્જને કહ્યું ‘આવડા મોટા સદાવ્રતના પૈસા ક્યાંથી આવશે ?’
પેલા અતિથીએ મંદમંદ સ્મિત કરતાં કહ્યું ‘કેમ, બાજુમા મંદિર છે ને ! અતિથિઓ સામે ચાલીને દાન કરશે…’
સજ્જને બરોબર એમ જ કર્યું. આજે તે માલામાલ થઈ ગયો છે! અને ફેમસ પણ થઈ ગયો છે !
***
બોધકથાનું રહસ્ય :
આ સલાહ આપનાર કોઈ ભગવાન નહોતા. એ તો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો ! આજે દેશના હજારો કરોડપતિઓ, ઉદ્યોગગૃહો અને રાજકીય પાર્ટીઓ આ જ રીતે ‘સેવાકાર્યો’ કરી રહ્યાં છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment