નકલી પોલીસની 'પ્રતિજ્ઞા'ઓ !



ભલે દુલાલ ગુહા જેવા સિરીયસ ડિરેક્ટરની આ એકમાત્ર કોમેડી ફિલ્મ હોય અને ભલે ધર્મેન્દ્રએ આમાં ઓલમોસ્ટ મહેમૂદના લેવલની કોમેડી કરી હોય.. પણ તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે આ ફિલ્મ એકજાતની ભવિષ્યવાણી હતી !

શી રીતે ? અરે ભાઈ, ગુજરાતમાં આજકાલ જે રીતે નકલી પોલીસોના ડઝનબંધ કૌભાંડો બહાર આવ્યાં છે અને દેશમાં એકાદ ઠેકાણે આખેઆખું નકલી પોલીસ સ્ટેશન ચાલતું હોવાના ખબર આવી ચૂક્યા છે, ત્યારે આજથી પુરા ૫૦ વરસ પહેલાં દુલાલ ગુહાએ એ નકલી પોલીસો અને નકલી પોલીસ સ્ટેશનો કેવાં હોવાં જોઈએ તેની આ ‘પ્રતિજ્ઞા’ ફિલ્મ દ્વારા રીતસરની ‘ગાઈડલાઈન’ બહાર પાડી હતી !

ખાતરી નથી થતી ? તો આગળ વાંચો…

*** 

ફિલ્મ ‘પ્રતિજ્ઞા’ના બતાડ્યા મુજબ નકલી પોલીસ સ્ટેશનની ગાઈડલાઈનો આ પ્રમાણે છે…

(૧) સૌથી પહેલું તો આ પોલીસ સ્ટેશન કોઈ દારૂના અડ્ડાની નજીક જ હોવું જોઈએ ! કેમકે ‘પ્રતિજ્ઞા’માં રીતસર બતાડ્યું છે કે દારૂ પીવાનો શોખીન ધર્મેન્દ્ર, જે ખરેખર તો એક ટ્રક ડ્રાયવર છે, તે આ અજાણ્યા ગામમાં આવીને જ્હોની વોકરના દારૂના અડ્ડાની બિલકુલ બાજુના જ ઘરમાં નવું પોલીસ સ્ટેશન ચાલુ કરાવે છે !

(૨) પોલીસ સ્ટેશનની નજીક જ હોય તો શું થયું ? દારૂનો અડ્ડો પોલીસ ઓફિસરે જ ચાલુ રાખવાનો છે !

‘પ્રતિજ્ઞા’ ફિલ્મમાં બિચારો જ્હોની વોકર બે હાથ જોડીને ધર્મેન્દ્ર આગળ કરગરે છે કે ‘માઈબાપ આપ મુઝે મરવાઓગે !’ ત્યારે ધર્મેન્દ્ર એક થપ્પડ મારતાં કહે છે ‘ખબૂરદાર ! દારૂ કી દુકાન બંધ નહીં હોની ચાહિયે !’

(આમાં બિચારા જ્હોની વોકરને સૌથી મોટો ડર એ હશે કે જો પોલીસો જ દારૂ પીતા રહેશે તો પૈસા કોણ ચૂકવશે ?)

(૩) પોલીસ સ્ટેશનનું પાટિયું અને દારૂની દુકાનનું પાટિયું ‘ઇન્ટરચેન્જેબલ’ હોવું જોઈએ !

દુલાલ ગુહાની આ ભવિષ્યવાણી હજી સુધી તો સાચી પડી નથી, પરંતુ ‘પ્રતિજ્ઞા’માં રીતસર બતાડ્યું છે કે ધર્મન્દ્ર જગદીપને ઓર્ડર કરે છે કે આ દારૂની દુકાનના પાટિયાને ઉલ્ટાવીને એની પાછળ જ ‘પોલીસ અડ્ડા’ લખી નાંખ !

(૪) પોલીસે કદી દારૂના પૈસા આપવાના નથી !

આ પણ પ્રતિજ્ઞાના એક દૃશ્યમાં બતાડ્યું છે. જ્યાં ચાર ડાકુઓને મારી નંખવાની ખુશીમાં બધા નકલી પોલીસવાળા દારૂની પાર્ટી કરતાં કરતાં નશામાં ધૂત થઈ ગયા છે, ત્યારે એક પોલીસવાળો બીજાને કહે છે ‘પતા હૈ, તૂ પૂલીસવાલા ક્યું બના હૈ ? તાકિ મુફ્ત કી દારૂ પી સકે !’

(અહીં એટલું સારું છે કે ફિલ્મમાં આ બધા નકલી પોલીસવાળા શાકની લારી પરથી મફતનું શાક ઉઠાવી લેતા દેખાડ્યા નથી.)

*** 

એમ તો ધર્મેન્દ્રને જ્હોની વોકર પાસેથી દારૂનો હપ્તો લેતા પણ બતાડ્યો નથી. ઉલ્ટું ધર્મેન્દ્ર તો દર વખતે પોતાના ખિસ્સામાંથી દારૂના પૈસા ચૂકવી દેતો બતાડ્યો છે.

જોકે સવાલ એ છે કે જો ધર્મેન્દ્ર નકલી પોલીસ છે, અને એના પગારનું મનીઓર્ડર આવતું જ નથી, તો એ દારૂના પૈસા કઈ કમાણીમાંથી ચૂકવે છે ?

*** 

ચલો, એ છોડો - ‘પ્રતિજ્ઞા’માં ખરેખર તો પોલીસે પોતાની ઇમેજ સુધારવા માટે શું કરવું જોઈએ તે સ્પષ્ટ રીતે બતાડ્યું છે. જેમકે-

(૧) ઇન્સ્પેક્ટરે મામૂલી રીવોલ્વર કે ભારેખમ રાઈફલના બદલે ડાયરેક્ટ મશીનગનથી જ કામ લેવું જોઈએ !

જી હા, ધર્મેન્દ્ર આખી ફિલ્મમાં મશીનગન જ લઈને ફરે છે ! જેથી એક ગોળી નિશાન ચૂકી જાય તો બીજી દસ ગોળીમાંથી એકાદ તો વાગી જ જાય ને ?

(૨) જ્યારે ટોળું હૂમલો કરે ત્યારે પોલીસની જુની નિયમોપોથી મુજબ સૌથી પહેલાં ભૂંગળામાં બોલીને ચેતવણી આપવાની… પછી લાઠીચાર્જ, પછી ટિયરગેસ અને છેલ્લે ના છૂટકે જ ફાયરીંગ કરવાનું છે ! એ પણ હવામાં જ ગોળી ચલાવવાની છે. રાઈટ ?

પણ અહીં તો ધર્મેન્દ્ર ડાકુઓના ટોળાં ઉપર ડાયેર્કટ હેન્ડ ગ્રેનેડ જ ઝીંકી દે છે ! (દે ધનાધન !) જેના જબરજસ્ત ધમાકાથી ડાકુઓમાં અફરાતફરી મચી જાય છે ! ઘોડા ભડકીને ઊંધા પડી જાય છે ! અને એમાંને એમાં ચાર ડાકુઓના શરીરનાં ચીંથરે ચીંથરા ઊડી જાય છે ! બોલો –

(હવે તમે જ કહો, જમ્મુ કાશ્મીરની કે છત્તીસગઢની પોલીસે વરસો પહેલાં ‘પ્રતિજ્ઞા’ની આ રૂલ-બુક મુજબ કાર્યવાહી કરી હોત તો આજે ભાજપ સરકારને કોઈ ક્રેડિટ લેવાનો ચાન્સ જ ના મળ્યો હોત ને ?)

*** 

આ સિવાય પણ ‘પ્રતિજ્ઞા’ની પોતાની રૂલ-બુકમાં એક નિયમ એવો છે જેનો અમલ આજની નકલી પોલીસ પણ નહીં કરે ! નિયમ એવો છે કે...

(૪) જે પોલીસમેન ગદ્દારી કરતો, ગોબાચારી કરતો કે મહિલાની છેડતી કરતો ઝડપાય એની વરદી જાહેરમાં ઉતારી લેવાની !

એટલું જ નહીં, એને પોતાનાં કપડાં પણ નહીં પહેરવા દેવાનાં ! એ તો ઠીક, જો જરૂર પડે તો પેલી નાડાવાળી ચડ્ડીનું નાડું પણ ખેંચી કાઢવાનું !

(ફિલ્મમાં કેસ્ટો મુખર્જીની આવી જ દશા કરવામાં આવે છે.)

*** 

બાકી ખરેખર, ‘પ્રતિજ્ઞા’ આજે જુઓ તો ખ્યાલ આવશે કે ધર્મેન્દ્ર લગભગ દરેક સીનમાં છવાયેલો છે. 

જરા બારીકાઈથી જુઓ તો સમજાશે કે તેણે આખી અલગ અલગ બોડી લેંગ્વેજ અપનાવી છે ! પેન્ટ છેક ડૂંટી સુધી ઊંચુ પહેર્યું છે, પહોળો પહોળો ચાલે છે, શરીર સતત આગળ ઝુકેલું રાખ્યું છે. આખો એટિટ્યૂડ અભણ જાટ ટ્રક ડ્રાયવર જેવો જ રાખ્યો છે. 

સૌથી મોટી વાત એ કે, એની સાથે પાંચ પાંચ કોમેડીયનો છે; જ્હોની વોકર, જગદીપ, કેસ્ટો મુખર્જી, બિરબલ અને મારુતિ… છતાં ધર્મેન્દ્ર જ સૌથી વધુ લાફ્ટર લઈ જાય છે !

***

ફિલ્મની જાણી અજાણી વાતો...

* ‘પ્રતિજ્ઞા’ ૧૯૭૫ની ટોપ-થ્રી હિટ ફિલ્મોમાંની એક હતી.

* ફિલ્મના કો-પ્રોડ્યુસર બિક્રમસિંહ દહેલ ધર્મેન્દ્રના બનેવી થાય. ફિલ્મમાં ધર્મેન્દ્રએ પણ પૈસા રોક્યા હતા.

* ધર્મેન્દ્રનો એક નાનો ભાઈ અજીત દેઓલ અહીં એક નાના રોલમાં દેખાય છે.

* ‘મૈં જટ યમલા પગલા દિવાના’ ગાયન પછી તરત જ બીજું ગીત પંજાબી બોલીની છાંટ સાથે આવે છે તેમાં ‘મિર્ઝિયા સાહિબાન’ની સરખામણી આવે છે. કેમકે હેમા માલિની ભરત ડાકુ (અજીત)ની ભત્રીજી છે. પરંતુ આ ડીપ ‘લેયર’ પ્રેક્ષકોના માથાની ઉપરથી ગયો હતો !

* સૌથી મજાની વાત એ છે કે ૧૯૭૫માં આવેલી ‘ચૂપકે ચૂપકે’માં પણ ધર્મેન્દ્રએ કોમેડી જ કરી હતી, પરંતુ સાવ અલગ અને ‘નેચરલ’ રીતે !

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. वो ही तो,हर आठ दिनमें दोचार नई मूवी थीयेटरमें आनीही चाहीये वो जमानेकी ये पैदाश है!

    ReplyDelete
  2. અનંત પટેલ26 December 2025 at 06:43

    જોરદાર અવલોકન

    ReplyDelete

Post a Comment