'શાલિમાર'નો મૂઢ માર !

બેશક, ૧૯૭૮માં આવેલી અતિશય ભંગાર અને સાવ ઘનચક્કર જેવી ફિલ્મ હતી પરંતુ સૌથી પહેલાં તો આપણે આપણા ગુજરાતી ભાયડા ક્રિષ્ના શાહને સલામ કરવી જોઈએ !

શા માટે ? અરે જસ્ટ વિચારો, જે જમાનામાં ઓપી રાલ્હન ‘૧ કરોડમાં ફિલ્મ બની છે’ એવો પ્રચાર કરે તો આપણે મોંમાં આંગળા નાખી જતા હતા, એ જમાનામાં ક્રિષ્ના શાહે બોલીવૂડ અને હોલીવૂડના આ ‘સંયુક્ત સાહસ’ નામે ૪૦ મિલીયન ‘ડોલર્સ’ની ફિલ્મ બનાવી નાંખી હતી.

*** 

’૪૦ મિલીયન ડોલર્સ એટલે શુંઉંઉં ??’ એમ થઈ જવું જોઈએ ! કેમકે માત્ર આજનો રેટ ગણો તો લગભગ ૩૬૦ કરોડ રૂપિયા થયા ! અને ૧૯૭૮થી આજ સુધીનો ફૂગાવો ગણો તો અધધ ૩૬૦૦૦ કરોડ રૂપિયા થયા !!

બોસ, આજનાં ધર્મા પ્રોડક્શનો અને યશરાજ પ્રોડક્શનો ઊંધા પડી જાય તોય આટલી મોંઘી ફિલ્મ ના બનાવી શકે !

*** 

અમને તો હજી નવાઈ લાગે છે કે ક્રિષ્ના શાહે એ સમયે ૩૬૦ કરોડનો ખર્ચો કર્યો હશે શેમાં ? ‘શાલીમાર’માં એકમાત્ર મોંઘો સ્ટાર હોય તો તે હોલીવૂડનો રેક્સ હેરિસન હતો. એ સિવાય જ્હોન સેક્સનનો થોડોઘણો ભાવ બોલાતો હશે.

તો બોસ, ક્રિષ્ના શાહે આટલા બધા રૂપિયા નાંખ્યા શેમાં ? આ તો એક જ રીતે શક્ય હતું કે જે રીતે દિલ્હીની કોમનવેલ્થ ગેમમાં ૧૫ પૈસાના પેપરકપની કિંમત ૩૫ રૂપિયા બતાડેલી એ રીતે ક્રિષ્ના શાહે પેલા ‘ઝિંગાલાલા હૂ…’ ગાનારા આદિવાસીઓની એક માળાની કિંમત ૪૦-૪૦ હજારની બતાડી હોય ! 
(ભલે પછી આખા કાફલાની વેશભષાનો સોદો મુંબઈના કે.બી. ડ્રેસવાલા જોડે માંડ ૧ લાખમાં થયો હોય.)

*** 

તમને થતું હશે કે આમાં ક્રિષ્ના શાહને ‘સલામ’ કરવાની વાત ક્યાં આવી ? તો મિત્રો, આવો એક તોતિંગ પ્રોજેક્ટ બની રહ્યો છે એવી ‘હાઈપ’ ઊભઈ કરીને પુરા ૪૦ મિલિયન ડોલર્સનું ફાયનાન્સ ઊભું કરવું એ તો કોઈ ગુજરાતી ભાયડો જ કરી શકે ને ?

(હજી ખાતરી ના થતી હોય તો કોઈ ગુજરાતી શેરબજારીયાને પૂછી જોજો.)

*** 

રહી વાત ‘શાલિમાર’ ફિલ્મની, તો કહેવાય છે કે એની સ્ટોરીની પ્રેરણા જેમ્સ હેડલી ચેઝ નામના લેખકની ‘વલ્ચર ઇઝ અ પેશન્ટ બર્ડ’ નામની નવલકથા ઉપરથી લેવાઈ છે.

મજાની વાત એ હતી કે તે વખતે અમે લોકો આ ‘જેમ્સ હેડલી ચેઝ’ની પોકેટ બુકો ‘ગુજરાતીમાં’ વાંચતા હતા ! જી હા, કહેવાય છે કે, આપણા અશ્વિની ભટ્ટ નામના લેખક, જે આજે થ્રિલર્સના બાદશાહ ગણાય છે, તેમણે જેમ્સ હેડલી ચેઝનાં ‘ન લખાયેલાં’ ઘણાં પુસ્તકોના ‘ગુજરાતી અનુવાદ’ માત્ર પૈસા ખાતર લખી આપેલા ! (કેમકે તે વખતે તેઓ સિધ્ધહસ્ત લેખક તરીકે હજી પ્રખ્યાત થયા નહોતા.)

*** 

જોકે ‘વલ્ચર ઇઝ અ પેશન્ડ બર્ડ’ યાને કે ‘ગીધડું એક ધીરજવાન પક્ષી છે’ એ’ કોઈ પુસ્તક અમે વાંચ્યું હોય એવું અમને યાદ નથી. પરંતુ ‘શાલિમાર’ જોતાં જરૂર એવું લાગેલું કે આ ફિલ્મને પુરેપુરી સહન કરવા મટો ૨૦-૨૫ મણ ‘ધીરજ’ની ચોક્કસ જરૂર પડે !

*** 

એક તો ૧૯૭૮ સુધીમાં હોલીવૂડમાં જ ‘ડોગ ડે આફ્ટરનૂન’ ‘ગ્રેટ ટ્રેન રોબરી’ ‘ધ સ્ટીંગ’ ‘ઇટાલિયન જોબ’ ‘ઓશન્સ ઇલેવન’ ‘ડેન્જર ડાયાબોલિક’ જેવી ખતરનાક અને સજ્જડ પ્લાનિંગ બતાડતી અબજોની ચોરીઓવાળી ફિલ્મો આવી ગયેલી હતી. એટલું જ નહીં, આમાંથી ઉઠાંતરી કરીને હિન્દી ફિલ્મોમાં પણ આવું બધું આવી ગયેલું.

આ બધું જોઈને આપણે વાસી કરી નાંખ્યું હોય પછી પેલા સર જ્હોન (રેક્સ હેરિસન)ના ટાપુ પર માત્ર એક જ રૂમમાં મુકેલો, લાલ રંગનો, સાબુ જેવડી સાઈઝનો ‘પથરો’ ચોરવામાં એવી તે શી ધાડ મારવાની હતી ?

ક્રિષ્ના શાહ અને એના આ પ્રોજેક્ટમાં ૪૦ મિલિયનનું આંધણ કરનારાઓને એમ હશે કે ભારતના ગમાર પ્રેક્ષકો તો આ બધું જોઈને રીતસરના ‘ડઘાઈ’ જશે ! પણ થયું ઉલ્ટું, લોકોને રીતસર બગાસાં આવતાં હતાં !

*** 

સાચું કહું તો આ આખા ૪૦ મિલિયન ડોલરના પ્રોજેક્ટમાં જો ખરેખર કોઈએ સાચા દિલથી મહેનત કરી હોય તો તે બે જ જણા છે. એક સંગીતકાર રાહુલદેવ બર્મન અને બીજા ધર્મેન્દ્ર ! બાકીના તમામ લોકોએ રીતસરની વેઠ ઉતારી છે.

બિચારા ધર્મેન્દ્રને તો રોલ જ કચરા જેવો મળ્યો હતો, છતાં ફિલ્મ જોતાં ક્યાંય એવું નથી લાગતું કે પોતે કંટાળ્યો છે. બાકી પેલા હોલીવૂડના ત્રણ એક્ટરોને તો રીતસર બગાસાં જ આવતાં હશે. (અથવા આખા શૂટિંગ દરમ્યાન મૂછમાં હસ્યા કરતા હશે.)

છતાં હા, ત્રીજી સાચૂકલી મહેનતની ક્રેડિટ આપવી હોય તો પેલું ‘ઝિંગાલાલા હૂ…’ ગાયન (અને એ સિવાય બીજો એક લાંબો ડાન્સ)માં પુરા દિલથી જેમણે ડાન્સ કર્યો છે તે એકસ્ટ્રા ડાન્સરોને આપવી જોઈએ.

*** 

આમ જુઓ તો આખી ફિલ્મ રેઢિયાળ છે. પરંતુ તેમાં એક સીન તો ખરેખર ચીતરી ચડે એવો છે. કેમકે આ સીન ‘અશ્ર્લીલ’ નહીં, પણ ‘બિભત્સ’ની કેટેગરીમાં મુકવો પડે એટલો વિચિત્ર છે.

ફિલ્મમાં શ્રીલંકાના મશહૂર ચોર બનેલા ઓપી રાલ્હનને શાલીમાર હીરો ચોરતાં રોકવા માટે એક ૭૦ વરસની, લબડી ગયેલી કાયા ધરાવતી ડોશી, જે હંમેશા નકલી સોનેરી વાળની વિગ પહેરે છે, ચહેરો અતિશય મેકપના થથેડા કરે છે અને સાવ સ્ટુપિડ ઓલ્ડ વુમનની જેમ હંમેશા પિંક કલરના ગાઉન પહેરીને ફરે છે, તે બાઈ (સિલ્વીયા માઇલ્સ) ઓપી રાલ્હનને ‘સિડ્યુસ’ કરવા માટે જે રીતે પોતાની છાતીમાં ખોસેલું નકલી ગુલાબ કાઢ્યા બાદ ગાઉનનું વધુ એક બટન ખોલીને ગંદો પોઝ આપે છે તે જોઈને ભલભલાને ઉલ્ટી થઈ જાય !

નવાઈની વાત એ છે કે આમાં પેલો ઓપી રાલ્હન ખરેખર ‘સિડ્યુસ’ થઈ જાય છે ! અમારું માનવું છે કે શ્રીલંકાના પુરુષોએ આ સીન માટે ‘માનહાનિ’નો દાવો ઠોકવા જેવો હતો !

*** 

જોકે ક્રિષ્ના શાહે બીજું એક કામ ખરેખર સરસ કર્યું હતું. તેણે ‘સિનેમા સિનેમા’ નામની એક ફૂલ લેન્થ ડોક્યુમેન્ટ્રી બનાવી હતી જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિક દુનિયામાં એક મજેદાર ડૂબકી સમાન હતી

***

ફિલ્મની જાણી અજાણી વાતો...

* ‘શાલિમાર’ આજ સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ ગણાય છે.

* એ જ રીતે ‘શાલિમાર’ની ખોટ પણ આ જ સુધીની સૌથી મોટી છે !

* ‘શાલિમાર’ હિન્દી અને અંગ્રેજી બે ભાષામાં બની હતી જેમાંથી અંગ્રેજી વર્ઝન પણ વિદેશોમાં રિલીઝ થયા બાદ ડિઝાસ્ટર સાબિત થયું હતું.

* દિગ્દર્શક ક્રિષ્ના શાહે ‘શાલિમાર’ બનાવતાં પહેલાં હોલીવૂડમાં બે ફિચર ફિલ્મો બનાવી હતી.

* ૨૦૦૯માં ક્રિષ્ના શાહે ઇન્દિરા ગાંધીની જાજરમાન બાયોપિક ‘મધર : ધ ઇન્દીરા ગાંધી સ્ટોરી’ એનાઉન્સ કરી હતી ! 
જેમાં ટોમ હેન્ક્સ અને ટોમી લી જોન્સને અમેરિકાના પ્રેસિડેન્ટોની ભૂમિકામાં લેવાની જાહેરાત કરી હતી ! માધુરી દિક્ષીતને હિરોઈન તરીકે ચમકાવતા આ પ્રોજેક્ટનું બજેટ પણ ૬૫ મિલિયન ડોલર્સનું હતું !

* કાદર ખાને રેક્સ હેરિસનના સંવાદો હિન્દીમા ડબ કર્યા હતા.

* કહેવાય છે કે હિન્દી ફિલ્મના ‘ગ્રામર’ને સમજાવવા માટે ક્રિષ્ના શાહે તેના હોલીવૂડના કેમેરામેનો અને એડિટરોને લગભગ ૨૦૦ હિન્દી ફિલ્મો બતાડી હતી !

***

-મન્નુ શેખચલ્લી 

Comments

  1. જેમ્સ હેડલી ચેઇઝ નાં પુસ્તકોનો ગુજરાતી અનુવાદ બકુલ વોરા કરતા હતા, અશ્વિની ભટ્ટ એલિસ્ટર મેકલીનનો અનુવાદ કરતા!

    ReplyDelete

Post a Comment