'જેન-ઝિ'નો પણ સંઘર્ષ હોય !

આજકાલના સિનિયર સિટીઝનો સોશિયલ મિડીયામાં પોતાની વાહવાહ કરતા મેસેજો જોઈને ફૂલાયા કરે છે.

પરંતુ શું ‘જેન-ઝિ’એ કોઈ સંઘર્ષ જ નથી કર્યો ? સાંભળો આ ‘જેન-ઝિ’વાળા શું કહે છે…

*** 

ઓ વડીલો, તમે ૬૦-૭૦ વરસમાં ઘણું જોયું છે, તો સાંભળો, અમે માત્ર ૨૫ વરસમાં શું શું સહન કર્યું છે ?

*** 

હજી અમારો જન્મ થયાને માંડ એકાદ વરસ થયું ત્યાં તો ગુજરાતમાં જબરદસ્ત ધરતીકંપ આવી ગયો…

અરે માંડ બે-ત્રણ વરસના થયા ત્યાં તો આખા ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં…

અને આઠ દસ વરસના થયા ત્યાં તો સ્માર્ટ ફોનો હાથમાં આવી ગયા ! જરા વિચારો, એક બાજુ સ્કૂલનું હોમવર્ક અને બીજી બાજુ સ્માર્ટફોન ! શું તમારી આવી ‘કસોટી’ થયેલી કદી ?

*** 

એ તો ઠીક, હજી સાઈકલ ચલાવતાં માંડ શીખ્યા ત્યાં તો અમારા મોટા ભાઈ-બહેનો સ્કૂટી લઈને ફરતાં હતાં ! બોલો, પછી તો વગર લાયસન્સે સ્કૂટી ચલાવવાની હિંમત કેળવવી જ પડે ને ?

(બાય ધ વે, વડીલ, તમે કઈ ઉંમરે પહેલી વાર ટ્રાફિક રુલનો ભંગ કરેલો ?)

*** 

અને અમારી ‘સ્ટ્રેન્થ’ તો જુઓ ? છ કલાકની નિશાળ ઉપરાંત ચાર કલાકના ટ્યુશન ક્લાસિસ અને બંનેનું ડબલ-હોમવર્ક !

(વડીલ, સાત વરસની ઉંમરે તમે કેટલા ગ્રામની સ્કુલ-બેગ ઉપાડતા હતા ? અમે દસ કિલોની ‘મજુરી’ રોજ કરતા હતા.)

*** 

બાકી હતું તે કોરોના આવી ગયો ! ભણ્યા વિના બારમું પાસ થયા છીએ એટલે નોકરી માટે અમને ‘ડફોળ’નું લેબલ લાગી ગયું છે !

*** 

પહેલાં અમે ‘ગુગલ’માંથી કોપી-પેસ્ટ કરતાં શીખ્યા, પછી ‘ચેટ-જીપીટી’ વડે સબમિશન કરતાં શીખ્યા અને સાલું, હવે અમારે જ ‘એઆઈ’ સામે કોમ્પિટીશન કરવાની ?

*** 

મનોરંજનની તો વાટ લાગી છે ! આંખો ખેંચી ખેંચીને હજાર-હજાર એપિસોડની સિરીયલો જોઈ છે, દિમાગનું દહીં થઈ જાય એવી ફાલતુ ફિલ્મો જોઈ છે, રાત્રે બબ્બે વાગ્યા લગી જાગીને રીલ્સ જોયાં છે, કાનના કીડા ખરી પડે એવી ગાળોવાળી વેબસિરીઝો જોઈ છે… અને આખેઆખું બોલીવૂડ નજર સામે પતી જતાં જોયું છે !

અને આ બધું જ માત્ર પચીસેક વરસની ઉંમરમાં ! વડીલ, વિચારો, તમારી ઉંમરે તો અમે શુંનું શું જોઈ નાંખ્યું હશે ! એટલે ડંફાસો ના મારો ! પિક્ચર અભી બાકી હૈ !

***

- મન્નુ શેખચલ્લી

Comments