આવા ગુલાબી શિયાળામાં સૌને વહાલી લાગે એવી એક જ ચીજ છે… રજાઈ ! લો, માણો એ રજાઈની આ હૂંફાળી ગઝલ…
***
જીવનનાં સુખો ને દુઃખો
છે, રજાઈમાં… રજાઈમાં…
બે ક્ષણ વધુ રહેવા દો
રજાઈમાં… રજાઈમાં…!
***
કોણે શું પામી લીધું ?
વહેલાં ઊઠી, દોડી દોડીને ?
પૂછો તો સઘળી સંપત્તિ
છે રજાઈમાં… રજાઈમાં…!
***
બસ, એક પ્રિયની યાદ
ને બીજો હોય મોબાઈલ
પછી તો જોઈએ બીજું શું ?
રજાઈમાં… રજાઈમાં…!
***
ભલે શોધો તમે સત્ય
જગતની આંટીઘૂંટીમાં
અહીં સત્યમ્ શિવમ્ સુંદરમ્
છે રજાઈમાં… રજાઈમાં…!
***
હવા આ આવે છે ક્યાંથી ?
રહી ગઈ છે ખુલ્લી બારી ?
કે શાયદ ચાદર છે કાણી ?
કેમ ખસી ગઈ છે પથારી ?
સમસ્યાઓ જગતની આ જ
છે, રજાઈમાં… રજાઈમાં…!
***
કહી દો સમયને ‘રેસ્ટ’ લે
શી ઉતાવળ સૂર્યને છે ?
પ્રોબ્લેમો તો માંડ જંપ્યા છે
અહીં રજાઈમાં… રજાઈમાં…!
***
હવે બસ, એક મળી જાય
ગરમાગરમ ‘ચા’ પથારીમાં
પછી તો સ્વર્ગ છે અહીં
રજાઈમાં… રજાઈમાં…!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment