આપણે ત્યાં એક જુનું ભજન છે કે ‘હરિ તારાં નામ છે હજાર…’ પરંતુ તમે માર્ક કરજો. રોજિંદા જીવનની કોઈ ચીજનું નામ છેલ્લા ૩૦ વરસમાં અનેકવાર બદલાયું હોય તો એ છે…
***
‘સંડાસ’
વરસો પહેલાં આપણા વડીલો એને સંડાસ કહેતા હતા.
‘ઝાડે ફરવા જવું’
જોકે એની યે પહેલાં, જ્યારે ચાર દિવાલવાળું સ્ટ્રક્ચર બનતું નહોતું ત્યારે આ ક્રિયા પર્યટનનો પર્યાય હતી !
‘લોટે જવું’
ખરેખર તો ઝાડે ફરવા જવાનો અર્થ ‘ઝાડો કરવા’ જવાનો થતો હતો. એટલે આપણે જરા સારું નામ રાખવાના ચક્કરમાં ‘લોટો’ પકડી લીધો !
***
બસ, અહીંથી જ એનાં નામોને મારી મચડીને ‘સુધારવા’નો વાયરો શરૂ થયો…
‘જાજરૂ’
કહે છે કે આ તો એક અરબી શબ્દ છે ! જેનું મૂળ ‘જા-હે-જરૂર’ યાને કે જરૂરથી જવું જ જોઈએ એવો ‘યુનાની’ મતલબ થતો હતો !
‘બાથરૂમ’
હવે જે ક્રિયાને ‘નહાવા-નીચોવવાનો’ પણ સંબંધ નથી તેને આવું નામ શી રીતે પડ્યું હશે ? કદાચ અંગ્રેજોની અસરમાં આ નામ આવ્યું હશે, કેમકે ધોળિયાઓ નહાવાનું અને નિકાલ કરવાનું આ બંને ક્રિયાઓ માટે એક જ ઓરડો બનાવતા હતા !
***
‘ટોઈલેટ’
હવે આ ફ્રેન્ચ અસર છે ! અંગ્રેજો દેશ છોડીને જતા રહ્યા પછી ભારતના સવાયા અંગ્રેજોને લાગ્યું હશે કે જો દેશી જનતાથી ઊંચા દેખાવું હશે તો પેલું નામ બદલવું પડશે !
***
‘વોશરૂમ’
તમે મને સાચું કહેજો, આ આખી ક્રિયામાં ‘ધોવાનું’ શું હોય છે ? યાર, શરીરના એ અંગને ‘ધોવા’ માટેનું નામ આખી જગ્યાને અપાતું હશે ?
***
‘પાવડર રૂમ’
આ તો એનાથી પણ અજીબ છે ! ચાલો, તમે પાણીથી ધોવાને બદલે ટીશ્યુ પેપરથી લૂછી નાંખો છો… પણ આમાં પાવડર ક્યાં આવ્યો ?
***
‘શૌચાલય’
અમારા હિસાબે આ બેસ્ટ છે ! જે સરકારના શહેરોનાં માત્ર નામો બદલીને છાતી ફૂલાવે છે એમના માટે આ સૌથી મોટી સિદ્ધિ છે ! કેમકે એમણે તો આ જગ્યાને ‘આલય’ એટલે કે ‘મહેલ’નું જ નામ આપી દીધું ! ગર્વ કરો ગરીબો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment