નેકી કર, દરિયા મેં ડાલ !

એક હાઈવેના ઢાબાનો માલિક બહુ સજ્જન અને ભલો હતો. એક દિવસ એક માણસ બાઈક પર આવ્યો અને કહેવા લાગ્યો :

‘જુઓ ભાઈ, હું એક ભજનકાર છું. રસ્તામાં મારું પાકિટ ક્યાંક પડી ગયું છે. એમાં રોકડ રૂપિયા અને ક્રેડિટ કાર્ડ વગેરે બધું  જ હતું… હવે મને ભૂખ લાગી છે. તમે મને…’

‘અરે એમાં શું ? ભગવાનના ભજન સંભળાવીને તમને તો પૂણ્યનું કામકરો છો ! પેટ ભરીને અહીં જમો, અને પૈસાની ચિંતા કરશો નહીં.’


ભજનકાર જમીને ગયો. બીજા દિવસે ઢાબાનો માલિક આવીને જુએ છે તો એક પાર્સલ પડ્યું છે. અંદર દસ ભગવાનના ફોટા અને ભજનોની દસ ડીવીડી હતી !

બીજા એક દિવસે એક કાર આવીને ઊભી રહી. એમાંથી એક ફેમિલી નીકળ્યું. ફેમિલીના જે મોભી હતા તે બોલ્યા :

‘જુઓ, મારી મીઠાઈની દુકાન છે. અમે ફરવા ગયા હતા પણ પાછા આવતાં મારો મોબાઈલ બગડી ગયો છે. હું બધું પેમેન્ટ ઓનલાઈન જ કરું છું. હવે જો તમને વાંધો ના હોય તો -’

‘અરે એમાં શું ? મીઠાઈ દ્વારા તમે તો દુનિયામાં મીઠાશ વહેંચો છો ! પેટ ભરીને જમી લો અને પૈસાની બિલકુલ ચિંતા કરશો નહીં…’

ફેમિલી જમીને ગયું… બીજા દિવસે ઢાબાવાળો આવીને જુએ છે તો મોટાં મોટાં દસ મીઠાઈનાં બોક્સ પડ્યાં છે !

થોડા દિવસ પછી એક રાજકીય પાર્ટીનો કાર્યકર આવ્યો.

‘બોસ, એવું છે કે મારી પાસે પૈસા તો છે પણ અહીં નજીકના ગામમાં રેલી અને સભા કરવાની છે. એમાં ભીડને આપવા માટેના જ પૈસા છે. એટલે જો તમને વાંધો ના હોય તો -’

‘અરે એમાં શું ? રાજકીય પાર્ટી વડે તો તમે દેશની સેવા કરો છો ! ચિંતા નહીં, ભરપેટ જમી લો…’

કાર્યકર જમીને ગયો…

ઢાબાનો માલિક બીજા દિવસે આવીને જુએ છે તો દસ કાર્યકરો રાહ જોતા બેઠા છે !

- મેરા ભારત મહાન…

***

- મન્નુ શેખચલ્લી

Comments