૨૦૨૫નાં સબ સે બડા... (ફોર)

વીતી ગયેલાં વરસમાં ખરેખર તો યાદ રાખવા જેવી ઘટનાઓ કરતાં ભૂલી જવા જેવી ઘટનાઓ વધારે હતી ! સાથે સાથે અમુક અનોખી ઘટનાઓ પણ બની…

*** 

સબ સે બડા ‘રૂલ’…
સળંગ પાંચ પાંચ દિવસ સુધી દેશના ‘હવામાં ઉડનારાં’ લોકો બિચારા ધરતી પર આવી ગયા ! એ પણ થોડા મામૂલી નિયમોના ‘અમલ’ને કારણે ! જીહા, ઇન્ડિગો એરલાઈન્સની મહેરબાની (ખરેખર તો આડાઈ)ના કારણે આ નિયમોનો અમલ ‘મુલતવી’ રહ્યો છે !

*** 

સબ સે બડા ‘ડેટ’…
અહીં કોઈ રોમેન્ટિક ડેટની નહીં પરંતુ કોર્ટની ‘તારીખ’ની વાત છે! ગુજરાત સરકારે હાર્દિક પટેલ નામના એક યુવા નેતા સામે જે કેસ દાખલ કર્યો હતો તેમાં છેલ્લા ૯ વરસમાં ૧૨૫ વાર ‘મુદત’ માગી હતી ! છેવટે ખુદ સરકારે જ આ કેસ પાછો ખેંચ્યો ! બોલો.

*** 

સબ સે બડા ‘એંગલ…’
કોઈ ઘટનાનો રાજકીય એંગલ નહીં, પરંતુ આ કિસ્સો છે એક ફ્લાય ઓવર પુલના ‘એંગલ’નો ! મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં બંધાયેલા એક ઓવરબ્રિજનો વળાંક શાર્પ ૯૦ ડિગ્રીનો છે ! ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં તેને નોધાવવાની તૈયારી ચાલુ કરવી જોઈએ..

*** 

સબ સે બડા ‘તાલાબ’…
અમદાવાદના ચંડોળા ‘તળાવ’ની લગભગ ૨.૫ લાખ ચોરસ મીટરની ‘જમીન’ને સેંકડો બુલડોઝરો, ટ્રકો અને પોલીસો દ્વારા ‘મુક્ત’ કરાવવામાં આવી… ત્યારે જ આપણને ખ્યાલ આવ્યો કે રાજકીય દૃષ્ટિએ આ તળાવ કેટલું ‘વિશાળ’ છે !

*** 

સબ સે બડા ‘વિભાજન’…
ના ના, ભાજપે વધુ એક રાજકીય પાર્ટીના બે ટુકડા નથી કર્યા ! આ વખતે આ કામ એક ફિલ્મે કર્યું છે ! ‘ધૂરંધર’ નામની એક ફિલ્મે આજના બોલીવૂડને રીતસર બે ટુકડામાં ‘વિભાજિત’ કરી નાંખ્યું છે !

*** 

સબ સે બડા ‘ધોકા’
એ જ કે, દિવાળી પહેલા જ્યારે સરકારે જીએસટીના દર ઘટાડ્યા હતા  ત્યારે કહ્યું હતું કે ‘આનાથી મોંઘવારી ઘટશે !’

- બોલો, ઘટી છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments