૨૦૨૫નાં સબ સે બડા.. (ટુ)

૨૦૨૫નું વરસ ખરેખર યાદગાર હતું ! સૌથી વધુ વરસાદ, સૌથી વધુ વાયુ પ્રદૂષણ, સૌથી મોટો કુંભમેળો… આ બધું તો ખરું જ, પરંતુ સાથે સાથે બીજી પણ અનોખી ઘટનાઓ બની છે ! જુઓ…

*** 

સબ સે બડા જેન-ઝિ પરાક્રમ :
નેપાળમાં ચાર-પાંચ મોબાઈલ એપ ઉપર બાન મુકાયો એમાં તો જેન-નો આક્રોશ ફાટી નીકળ્યો ! રાતોરાત હજારો લાલ વાવટા ક્યાંથી આવી ગયા, ભેદી રીતે હજારો લીટર ભરેલા પેટ્રોલના કેરબા શી રીતે પહોંચી ગયા… 

અને ત્રણ જ દિવસમાં આખેઆખી સરકાર શી રીતે ‘ડિલીટ’ થઈ ગઈ ? ખુદ જેન-ઝિને પણ સમજાયું નહીં !

*** 

સબ સે બડા ક્રાઉડ ‘ક્રશ’
કુંભમેળાની ભીડ તો માત્ર સંખ્યાનો રેકોર્ડ તોડી શકે પરંતુ ૧૮-૧૮ વરસના ઇંતેજાર પછી બેંગલોરની ટીમ જ્યારે ફાઈનલ જીતી ગઈ એના કારણે બેંગલોરની પ્રજામાં જે ગાંડપણ ફેલાયું તે બેજોડ હતું ! 

જોવાની વાત એ છે કે એ પાગલપનના ‘આયોજકો’ પણ હતા ! એમાં કચડાઈ જનારાને સરકારે પાંચ-દસ લાખનું વળતર આપ્યું છે, પરંતુ ટ્રોફી માટેનો આ ‘ક્રશ’ (બન્ને અર્થમાં) બેજોડ હતો…

*** 

સબ સે બડા યુ-ટર્ન :
જે નેતા ‘ભારત માતા કી જય’ બોલવાની જાહેરમાં ના પાડતા હતા એ જ નેતાજી ‘ઓપરેશન સિંદૂર’ પછી દેશ-વિદેશમાં જઈને ભારતનાં ગુણગાન ગાઈ રહ્યા હતા… તમે આવી ‘ઓહ-વૈસી-પલટી’ના કરતબ બતાડનારનું નામ તો જાણી જ ગયા હશો !

*** 

સબ સે બડા જેન-ઝિ વાયરસ :
‘સૈયારા’ જોતાં જોતાં છાતી ફાડીને રડવાનું, શર્ટ કાઢીને ઓળાટવાનું, ગાયનો સાંભળી સાંભળીને માથાં પછાડવાનાં… આવો એક વાયરસ સોશિયલ મિડીયામાં ખરેખર તો ‘પ્લાન્ટ’ કરવામાં આવ્યો હતો ! જોકે એ પ્લાન્ટ હવે કરમાઈ ગયો છે…


*** 

સબ સે બડા રોડ :
‘મનરેગા’ યોજના હેઠળ પંચમહાલમાં જે ૪૭ કરોડ રૂપિયાના ખર્ચે માત્ર કાગળ ઉપર જે રોડ બની ગયા... ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા !

***

- મન્નુ શેખચલ્લી

Comments