મોટા ભાગના ફેક ન્યુઝ તમને ડરાવનારા, ગભરાવનારા કે ટેન્શન વધારી દેનારા હોય છે. પરંતુ અમારી આ ફેક ન્યુઝ ચેનલની ખાસિયત જ એ છે કે તમામ ન્યુઝ માત્ર અને માત્ર મનોરંજન માટે હોય છે…
***
એક ધમાકેદાર ખબર આવી રહી છે ગાંધીનગરની ગિફ્ટ સિટીથી…
સૌ જાણે છે કે સરકારે આ ક્રિસમસના તહેવારો દરમ્યાન જનતાના લાભાર્થે દારૂ પીવામાં છૂટછાટો આપવા માંડી છે. પરંતુ બીજી તરફ હોમ ડિલીવરીના બજારમાં બાટલીની કિંમત ત્રણ-ત્રણ ગણી વધી જવાને કારણે રસિકજનોની સ્થિતિ કફોડી થઈ રહી છે.
આવા કપરા સમયમાં એક સાહસિક યુવાને આનો તોડ કાઢવાનો મસ્ત મજાનો જુગાડ કરેલ છે. આ યુવક ઓન-લાઈન ગ્રુપમાં ગ્રાહકોનો સંપર્ક સાધીને તેમને ગાંધીનગરમાં ૨૫-૨૫ જણાના ગ્રુપમાં નશા પાર્ટીનું આયોજન કરી આપે છે.
આના માટે આ યુવક તમે પીધેલા દારૂમાંથી માત્ર ૧૦ ટકા કમિશન લે છે. જોકે આમંત્રિત ૨૫ જણા રાજ્યની બહારથી આવ્યા છે તેવું બતાડવા માટે આ યુવક નકલી આધારકાર્ડ બનાવી આપે છે તેનો કાર્ડદીઠ ચાર્જ ૨૦૦૦ રૂપિયા છે !
યુવકનું કહેવું છે કે આટલો વધારે ચાર્જ ખરેખર તો વ્યાજબી છે કેમકે એ આધારકાર્ડ તમે લાઈફટાઈમ સુધી વાપરી શકો છો…
***
વધુ સનસનાટીભર્યા ખબર આવી ગયા છે વડોદરાથી…
અહીં લાફાલાફી થઈ ગઈ છે ! એક પોલીસ અધિકારી અને એક બાટલી સપ્લાયર વચ્ચે !!
વિગત એવી છે કે થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવા માટે જ્યારે પોલીસ ઓફિસરે દારૂની ત્રણ બાટલી મફતમાં માગી ત્યારે સપ્લાયરે ગાળાગાળી કરતાં કહ્યું હતું કે એક બાજુ માલ જપ્ત કરો છો, અને બીજી બાજુ બાટલીના ભાવ વધી જતાં હપ્તો પણ વધારે માગો છો, આવામાં ઉપરથી ત્રણ ત્રણ બાટલી શું મારા બાપના આકાશમાંથી ટપકવાની છે ?
આ મામલે બંને જમા એકબીજાને લાફા મારવા લાગતાં એક વહીવટદારે વચ્ચે પડીને દોઢ બાટલીમાં સમાધાન કરાવ્યું હોવાની ખબરો પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment