આપણે સીધીસાદી ભાષામાં સીધીસાદી વાતો કરીએ છીએ. પરંતુ કવિની વાત જ અલગ હોય છે… એમને સીધીસાદી વાતો કહેવી હોય તો પણ અલગ જ રીતે કહેશે ! જુઓ નમૂના…
***
આપણે કહીએ કે…
‘ભૂખ લાગી છે.’
કવિ કહેશે…
‘કદર છે કોને દુનિયામાં
જઠરાગ્નિઓને ડામવાની ?
મુજ ઉદરને ઝંખના છે
કૈંક પોષણને પામવાની !’
***
આપણે કહીએ કે…
‘તરસ લાગી છે’
કવિ કહેશે…
શોષાય છે શ્વાસો, ને
ગળામાં રણ ફસાયું છે !
કહો ભીનાશને હવે
કવિને જળનું આણું છે !
***
આપણે કહીએ કે…
‘જરા’ ‘લાગી’ છે, વોશરૂમ ક્યાં છે ?
કવિ કહેશે…
‘ક્ષણો બચી છે
આડબંધ એક તૂટવાની
વાર છે…
કહો ક્યાં જઈ વહે
આ પૂર, જે મેં ખાળીને
માંડ રાખ્યું છે !’
***
આપણે કહીએ કે…
‘મારે ટોઈલેટ જવું છે.’
કવિ કહેશે…
‘સઘરું છું પહાડ, ને
પથ્થર, ને ભીની માટી
જનમો જનમથી…
ઘડીક એને પણ
મુજથી હવે છૂટવાની
વેળા આવી છે !’
***
આપણે કહીએ કે…
‘શિયાળામાં નહાવાનું મન નથી.’
કવિ કહેશે..
‘કોરું છે તન, એને
કોરું જ રહેવા દો
મોસમ છે શીતળ, પણ
મને ઠંડીની ઘાત છે !’
***
આપણે કહીએ કે…
‘યાર કંટાળો આવે છે.’
કવિ કહેશે…
‘ચા ઠરેલી, છાશ ખાટી,
ટ્રેન મોડી, ન્યુઝ વાસી,
સમય ધીમો, રાત લાંબી,
વચન જુઠાં, શ્વાસ ઠાલા,
રક્ત રગળે, બાઝે જાળાં,
બગાસાં કાળાં, લાંબા ગરનાળાં,
રોડ, વિના ફાટકનો
અનંત લંબાતો લાગે છે…
બોસ,
તમને શું લાગે છે ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment