'ધૂરંધર'નો વફાદાર રિવ્યૂ !

જુઓ ભઈ, કોઈને ખોટું લાગે તો લાગે, પણ યાર ‘ઇન્ડિયન સ્પાય’ની તે કંઈ આવી ફિલ્મ હોતી હશે ?...

*** 

ઇન્ડિયાનો એજન્ટ આમ જુની સાઈકલ પર, ખખડતી ટ્રકમાં કે સેકન્ડ હેન્ડ સ્કુટર એન્ટ્રી મારતો હોય ?

યાર, આપણા સ્પાય યુનિવર્સનો હીરો તો ક્યાંક કાબૂલમાં, ઇસ્તંબુલમાં કે તૂર્કીમાં કોઈ હેલિકોપ્ટરમાંથી નીચે જમ્પ મારતો આવે… વીસ પચ્ચીસ જણાને મશીનગનથી ઉડાડતો ત્રાટકે અને આપણા એકાદ એજન્ટને ખુલેઆમ છોડાવીને જીપમાં ભાગી છૂટતો હોય… એને કહેવાય એન્ટ્રી !

*** 

અને ભઈ, હિરોઈન ક્યાં છે ? 

પહેલી વાત તો એ કે પાકિસ્તાનના આઈએસઆઈની એજન્ટ હોવી જોઈએ ! બીજું, એ બિકીની પહેરીને ડાન્સ કરતી હોવી જોઈએ અને ત્રીજું, આપણો હિરો એની સાથે પ્રેમમાં પડવો જોઈએ !

આવું તો ‘ધૂરંધર’માં છે જ નહીં !

*** 

અને વિલન ? આવા તે કંઈ વિલનો હોતા હશે ? બધા જ પાકિસ્તાની વિલન ?

અરે યાર, મેઇન વિલન તો ભારતીય હોવો જોઈએ ! એ હિન્દુ તો હોવો જ જોઈએ, સાથે સાથે ઇન્ડિયન આર્મીમાંથી સસ્પેન્ડ થયેલો હોવો જોઈએ ! સ્પાય યુનિવર્સની છેલ્લી દસે દસ ફિલ્મો જોઈ લો… આ તો આપણા બોલીવૂડની ‘પરંપરા’ છે !

*** 

અને ‘બચાવવાનું’ શું છે ? 

બોલીવૂડની હિસ્ટ્રી ઉપાડીને જોઈ લો.. ભારતના એજન્ટ અને પાકિસ્તાની મહિલા એજન્ટે મળીને છેવટે તો ‘પાકિસ્તાન’ના પ્રાઇમ મિનિસ્ટરની હત્યા થતી બચાવવાની છે ! તો જ બે દેશો વચ્ચે ‘શાંતિ’નો સંદેશો જશે !

‘ધૂરંધર’માં તો ભૈશાબ, કંઈ ભલતું જ ચાલ્યું છે !

*** 

બીજી મેઇન વાત. શું બધું પાકિસ્તાનમાં ને પાકિસ્તાનમાં જ પતાવવાનું છે ? જર્મનીમાં કાર-ચેઝ, સ્વીટઝરલેન્ડમાં બાઈક ચેઝ, લંડનમાં શૂટ-આઉટ અને દૂબઈ-સિડની-ન્યુ યોર્કમાં ગાયનો નથી ગાવાનાં ?

કેમકે ભારતના સ્પાય એજન્ટોને આની જ તો તાલીમ આપવામાં આવે છે.

*** 

અમારું તો માનવું છે કે પહેલગામ કે પુલવામા જેવા હૂમલાથી નહીં પરંતુ ‘ધૂરંધર’ જેવી ફિલ્મો વડે જ ભારત-પાકિસ્તાનના સંબંધો બગડી રહ્યા છે.

જુઓને, પાકિસ્તાને ‘ધૂરંધર’ ઉપર પ્રતિબંધ મુકીને કેવું ડહાપણભર્યું કામ કર્યું છે !

અમને તો લાગે છે કે પાકિસ્તાન ‘ધૂરંધર-ટુ’ને પણ ભારતમાં પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ મુકી દેશે !

***


- મન્નુ શેખચલ્લી

Comments